Mizoram: મિઝોરમમાં મ્યાનમારનું સૈન્યનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત, છ ઘાયલ
મ્યાનમાર સેનાનું વિમાન આજે મિઝોરમના લેંગપુઇ એરપોર્ટ પર ઉતરતી વખતે રનવે પરથી સરકી ગયું હતું અને બાજુમાં આવેલી ઝાડીઓમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. અહેવાલો મુજબ વિમાનમાં પાયલટ સહિત 14 લોકો સવાર હતા. જેમાંથી છ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને લેંગપુઈ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
મ્યાનમારમાં બળવાખોર જૂથો સાથે અથડામણને કારણે સેનાના જવાનો સીમા પર કરીને મિઝોરમમાં શરણ લેવા આવી રહ્યા છે. આ એરક્રાફ્ટ મ્યાનમારના સૈનિકોને એરલિફ્ટ કરવાના મિશન માટે આવ્યું હતું.
ભારતે સોમવારે મ્યાનમારના 184 સૈનિકોને પરત મોકલ્યા હતા, જેઓ ગયા અઠવાડિયે વિદ્રોહી જૂથ સાથેની અથડામણ વચ્ચે મિઝોરમ આવી ગયા હતા. આસામ રાઈફલ્સના એક અધિકારીએ જણાવ્યું કે ગત સપ્તાહે મ્યાનમારના કુલ 276 સૈનિકો મિઝોરમમાં પ્રવેશ્યા હતા.
મ્યાનમારના સૈનિકો 17 જાન્યુઆરીએ ભારત-મ્યાનમાર-બાંગ્લાદેશ ટ્રાઈ જંક્શન પાસેના લૉંગટલાઈ જિલ્લાના બંદુકબંગા ગામમાં પ્રવેશ્યા હતા અને સહાય માટે આસામ રાઈફલ્સનો સંપર્ક કર્યો હતો.
લેંગપુઇ ખાતેનું ટેબલટોપ રનવે જે તેની પડકારરૂપ પરિસ્થિતિ માટે જાણીતું છે, તેના પર લેન્ડીંગ પ્લેન વખતે વિમાન રનવે પરથી સરકી ગયું હતું.