મુઝફ્ફરનગરના થપ્પડ કાંડની આજે સુનાવણી, સુપ્રીમ કોર્ટને બાળકના ભવિષ્યની ચિંતા…
મુઝફ્ફરનગરના પ્રખ્યાત થપ્પડ કાંડ અંગે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે શિક્ષણ વિભાગ પાસેથી રિપોર્ટ માંગ્યો અને કહ્યું હતું કે યુપી સરકાર ઝડપથી કામ કરે, અમને બાળકના ભવિષ્યની ચિંતા છે. જસ્ટિસ અભય એસ ઓકા અને પંકજ મિથલની બેન્ચે આ કેસની સુનવણી કરી હતી.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે બાળકના કાઉન્સેલિંગ માટે ત્રણ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. તેમજ રાજ્યને ખાસ જાણ કરીએ છીએ કે માત્ર પીડિત જ નહીં પરંતુ અન્ય બાળકોનું પણ કાઉન્સેલિંગ કરવા માટે નિષ્ણાત એજન્સીની નિમણૂક કરવા પર વિચાર કરી રહ્યા છીએ. નિષ્ણાતોની યાદી આવતા સોમવારે આપવામાં આવશે.
જસ્ટિસ ઓકા જેએ કહ્યું હતું કે બાળક અત્યારે ડિપ્રશનમાં છે ત્યારે તમે બાળક અને માતા-પિતા કાઉન્સેલિંગ સેન્ટરમાં આવે તેવી અપેક્ષા રાખી શકતા નથી. બાળકોના કાઉન્સેલિંગ માટે કોઈ નિષ્ણાત એજન્સીની નિમણૂક કરી શકાય છે. તેમજ સુપ્રીમ કોર્ટે શિક્ષણ વિભાગ દ્વારા અત્યાર સુધી જવાબ ના આપવા બદલ પણ નારાજગી વ્યક્ત કરી હતી.
અગાઉની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ કેસ પર અત્યાર સુધી કરવામાં આવેલી કાર્યવાહીની માહિતી માંગી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આરોપીઓ સામે અત્યાર સુધી શું કાર્યવાહી કરવામાં આવી છે અને બાળકના પરિવાર અને તેની સુરક્ષા માટે કેવા પગલા લેવામાં આવ્યા છે. આ મામલે સામાજિક કાર્યકર તુષાર ગાંધીએ અરજી કરી હતી. તેણે વાઇરલ વીડિયોના આધારે આ અરજી દાખલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે મુઝફ્ફરનગરની એક સ્કૂલમાં બાળકને શિક્ષિકાએ ક્લાસના બાળકો દ્વારા થપ્પડ મારવવામાં આવ્યા જેના કારણે બાળક ડિપ્રેશનમાં જતું રહ્યું હતું જો કે આ ઘટનાનો વિડીયો વાઇરલ થતા મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.