મસૂરી જવાનું પ્લાનિંગ છે? મસૂરીમાં ભીડ ઘટાડવા નવો નિયમ: ફરજિયાત કરવું પડશે રજીસ્ટ્રેશન!

દેહરાદૂન: જો તમે પણ મસૂરી ફરવા જવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આ સમાચાર મહત્વના બની રહેવાના છે. કારણ કે ઉત્તરાખંડ સરકારે મસૂરી ફરવા આવનારા પ્રવાસીઓ માટે નવો નિયમ લાગુ કર્યો છે. રાજ્ય પ્રવાસન વિભાગે મસૂરીમાં વધતી ભીડ અને ટ્રાફિકને નિવારવા માટે પ્રવાસીઓનું રજીસ્ટ્રેશન ફરજીયાત કરી દીધું છે.
કહેવામાં આવી રહ્યું છે કે મસૂરીના ત્રણ સ્થળ કિમાડી, કૅમ્પ્ટી ફૉલ અને કુઠાલ ગેટ પર ઓટોમેટેડ નંબર પ્લેટ રેકગ્નિશન (ANPR) કેમેરા લગાવવામાં આવ્યા છે, અને તે વાહનોની નંબર પ્લેટને રેકોર્ડ કરશે, આ સીસ્ટમ ટ્રાફિક વ્યવસ્થાપનમાં મદદરૂપ થશે. ઉત્તરાખંડ પ્રવાસન વિભાગમાં સચિવે જણાવ્યું હતું કે મસૂરીમાં ગરમી અને ચોમાસાની રજાઓને માણવા માટે સૌથી વધુ પ્રવાસીઓનો ધસારો જોવા મળતો હોય છે.
રજીસ્ટ્રેશન બાદ મળશે QR કોડ
હવે મસૂરી ફરવા જનાર પ્રવાસીઓએ ઉત્તરાખંડ પ્રવાસનની વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરાવવું પડશે. રજીસ્ટ્રેશન દરમિયાન નામ, મોબાઈલ નંબર, પ્રવાસની તારીખ, વાહનના નંબર વગેરેની જાણકારી આપવાની રહેશે. ઓટીપી વેરીફીકેશન બાદ ટૂરિસ્ટ કે ટૂરિસ્ટ પાર્ટીને એક ક્યુઆર કોડ આપવામાં આવશે અને તે કોડની મસૂરીની ચેકપોસ્ટ કે હોટલોમાં સ્કેન કરવામાં આવશે.
વળી હોટેલ કે હોમ સ્ટે માલિકોએ પણ તેમની પ્રોપર્ટી, રૂમ્સ વગેરેની જાણકારી આ પોર્ટલ પર નોંધાવવાની રહેશે. જેથી તેમની હોટલ કે ત્યાં ઉપસ્થિત પ્રવાસીઓની સંખ્યાનો સાચો આંકડો સરકારને મળી શકે અને જેનાથી રાજ્ય અને વહીવટી તંત્રને જરૂરી વ્યવસ્થા કરવામાં ઘણી મદદ મળી રહેશે.
આ પણ વાંચો…મસૂરીના કેમ્પ્ટી વોટર ફોલે વરસાદ બાદ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, વિડીયો વાઇરલ