“મુસલમાનો મુઘલોના નહિ પણ પેગંબરના વંશજ” અજમેર દરગાહ મામલે સપાના સાંસદનું નિવેદન

નવી દિલ્હી: રાજસ્થાનના અજમેરમાં આવેલી મોઇનુદ્દીન ચીશ્તીની દરગાહ હવે વિવાદનું કેન્દ્ર બની છે. અજમેર શરીફ દરગાહને લઈને શરૂ થયેલો વિવાદ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. હવે આ મામલે સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજીલાલ સુમનનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે મુસલમાનો મુઘલોના નહિ પણ મહંમદ પેગંબરના વંશજ છે.
દરગાહનું સત્ય ઇતિહાસમાં નોંધાયેલું છે
રાજસ્થાનના અજમેર શરીફ દરગાહ વિવાદના મામલામાં હવે સપાના રાજ્યસભા સાંસદ રામજીલાલ સુમનનું મોટું નિવેદન સામે આવ્યું છે. સુમને આ અંગે કહ્યું કે આ દરગાહ 11મી સદીની છે. આ દરગાહ વિશેનું સમગ્ર સત્ય ઈતિહાસમાં નોંધાયેલું છે. હિંદુ રાજાઓ પણ આ દરગાહની મુલાકાત લેતા હતા, તેનો પણ ઈતિહાસમાં ઉલ્લેખ છે. અહીં મંદિર હોવાના દાવા પાછળ કોઈ સત્ય નથી.
આ પણ વાંચો : Accident: રાજસ્થાન પરિવહનની બસે અમદાવાદમાં વીએસ હૉસ્પિટલ પાસે સર્જયો અકસ્માત, એકનું મોત
મુસલમાનો મુઘલોના નહિ પેગંબરના વંશજ
તેમણે કહ્યું કે લઘુમતી સમુદાય પર બિનજરૂરી આરોપો લગાવવામાં આવી રહ્યા છે. મુસલમાનો મુઘલોના નહિ, પણ પમહંમદ પેગંબરના વંશજ છે. તેમણે 1991ના પાર્લિમેન્ટ્રી અધિનિયમનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે એક્ટમાં સ્પષ્ટ જોગવાઈ છે કે મંદિરને મંદિર માનવામાં આવશે અને મસ્જિદને મસ્જિદ ગણવામાં આવશે. તેમણે RSSના વડા મોહન ભાગવતના નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે 2022માં ભાગવતે પણ કહ્યું છે કે દરેક મસ્જિદ કે દરગાહની નીચે ખોદકામ કરાવવું ખોટું છે. અજમેર શરીફની દરગાહ દુનિયાભરમાં પ્રખ્યાત છે. અહીં મોટી મોટી હસ્તીઓ આવી છે.
વડાપ્રધાન મોકલે છે ચાદર
દર વર્ષે વડાપ્રધાન દ્વારા અહીં એક ચાદર મોકલવામાં આવે છે. આ દરગાહ હિન્દુ અને મુસ્લિમની એકતાનું પ્રતિક છે. આવી સ્થિતિમાં કોઈ પણ પ્રકારનો વિવાદ ન સર્જવો જોઈએ. મુસ્લિમ સમુદાય કરતાં વધુ હિન્દુઓ આ દરગાહની મુલાકાત લે છે. આ દરમિયાન તેમણે ભાજપના નેતાઓ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમેન કહ્યું કે કેટલાક લોકોને તેમના સપનામાં માત્ર બાબર અને અન્ય મુઘલ શાસકો જ દેખાય છે.