મુસ્લિમ વિધાનસભ્યે યજ્ઞમાં આપી હાજરી, અને પાલિકાએ મંદિરમાં કરાવ્યું ગંગાજળથી શુદ્ધિકરણ

સિદ્ધાર્થનગર: અહીંના જિલ્લામાં એક મુસ્લિમ વિધાનસભ્યએ યજ્ઞ વખતે મંદિરમાં પ્રવેશ કરતા મંદિરને ગૌમૂત્ર-ગંગાજળથી શુદ્ધિકરણ કરાવવામાં આવ્યું હોવાની ચોંકાવનારી ઘટના બની છે.
સિદ્ધાર્થનગર જિલ્લામાં આવેલા બઢની ચાફા નામના ગામમાં સ્થાનિક માતાજીના મંદિરમાં યજ્ઞ અને કથા ચાલી રહી હતી. એ સમયે મંદિરના આયોજન કમિટીના સભ્યોના આમંત્રણને પગલે ડુમરિયાગંજ બેઠકના સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય સૈયદા ખાતૂન યજ્ઞ અને કથામાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા.
જો કે તેમનું આગમન કેટલાક લોકોને ખટક્યું હતું જેમાં બઢની ચાફા ગામની નગર પંચાયતના અધ્યક્ષ પણ હતા. ઉપરાંત સ્થાનિક હિંદુ સંગઠનના સભ્યો પણ ત્યાં ઉપસ્થિત હતા કે જેમણે આ મામલે વિરોધ નોંધાવ્યો હતો.
કાર્યક્રમ પૂર્ણ થયા બાદ નગરપાલિકા અધ્યક્ષ ધર્મરાજ વર્મા સહિત હિંદુ સંગઠનના સભ્યોએ મંદિરની ફરતે ગંગાજળ છાંટી, હનુમાન ચાલિસાનો પાઠ કર્યો હતો અને ધારાસભ્ય વિરુદ્ધ નારા લગાવ્યા હતા. એ પછી મીડિયાને આપેલા તેમના નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે સૈયદા ખાતૂન મુસ્લીમ છે, તેઓ નોનવેજીટેરીઅન છે આથી તેમનું મંદિરમાં પ્રવેશવું યોગ્ય નથી. તેમની હાજરીને પગલે મંદિર અપવિત્ર થઇ ગયું હતું આથી મંદિરનું શુદ્ધિકરણ કરવું જરૂરી હતું.
બીજી તરફ ડુમરિયાગંજ વિધાનસભા ક્ષેત્રના સમાજવાદી પાર્ટીના વિધાનસભ્યએ સૈયદા ખાતૂનની પણ પ્રતિક્રિયા સામે આવી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે મને માતાજીના મંદિરમાં આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું.
આયોજક સમિતિ દ્વારા ત્યાં મારું સન્માન પણ કરવામાં આવ્યું હતું. હું એક વિધાનસભ્ય છું. હું તમામ ધર્મોનું સન્માન કરું છું અને કરતી રહીશ. મારું જે કામ છે તે હું કરું છું. દુષ્ટ લોકોની આવી પ્રવૃત્તિઓની મારા પર અસર થશે નહીં.