મુર્શિદાબાદમાં વકફ કાયદાના વિરોધ મુદ્દે હિંસા ભડકી, BSF તહેનાત કરાઇ...

મુર્શિદાબાદમાં વકફ કાયદાના વિરોધ મુદ્દે હિંસા ભડકી, BSF તહેનાત કરાઇ…

કોલકાતા: પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં વક્ફ (સુધારા) અધિનિયમ 2025 સામેના વિરોધ પ્રદર્શનો ઉગ્ર અને હિંસક બન્યા છે. કેન્દ્ર સરકારે બનાવેલા કાયદાનો વિરોધ કરવા માટે જાંગીપુર વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા, જ્યાં વિરોધીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને તેમના વાહનોને આગ ચાંપી દીધી હતી.

ટ્રેન પર પથ્થરમારો
પ્રાપ્ત વિગતો અનુસાર પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વક્ફ એક્ટ વિરુદ્ધ આજે ફરી એકવાર હિંસા ફાટી નીકળી હતી. નિમટીટા રેલ્વે સ્ટેશન પર વિરોધ પ્રદર્શને હિંસક સ્વરૂપ ધારણ કર લીધું હતું. ટોળાએ ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો. આ હિંસક વિરોધને કારણે ઘણી ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે અને બે ટ્રેનો રદ કરવામાં આવી છે. હિંસા અને આગચંપીને ધ્યાનમાં રાખીને, મુર્શિદાબાદના શમશેરગંજમાં BSF જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.

પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ
પ્રદર્શનકારીઓ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 12 પર એકઠા થયા હતા અને વકફ એક્ટ પાછો ખેંચવાની માંગ કરી હતી. આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં 10 થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. સમગ્ર વિસ્તારમાં પરિસ્થિતિ હજુ પણ તણાવપૂર્ણ છે. પ્રદર્શનકારીઓએ રેલ્વે ટ્રેક પર બેસીને ટ્રેનોની અવરજવરને પણ પ્રભાવિત કરી હતી.

5,000 લોકો રેલ્વે ટ્રેક પર એકઠા થયા
આજે શુક્રવારે ધુલિયાનગંગા અને નિમટીટા સ્ટેશનો વચ્ચે લગભગ 5,000 લોકો રેલ્વે ટ્રેક પર એકઠા થયા હતા, જેના કારણે ટ્રેન અવરજવર ખોરવાઈ ગઈ હતી. આના કારણે કામાખ્યા-પુરી એક્સપ્રેસ જેવી ટ્રેનોને અસર પહોંચી હતી. રેલવે પ્રોટેક્શન ફોર્સ અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે હાજર છે અને પ્રદર્શનકારીઓ સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Back to top button