બંધૂકના જોરે અપહરણ, વીડિયો કોલ પર હત્યાનો આદેશ! AAP ધારાસભ્ય અને પરિવાર વિરુદ્ધ FIR | મુંબઈ સમાચાર
Top Newsનેશનલ

બંધૂકના જોરે અપહરણ, વીડિયો કોલ પર હત્યાનો આદેશ! AAP ધારાસભ્ય અને પરિવાર વિરુદ્ધ FIR

ચંદીગઢ: પંજાબમાં આમ આદમી પાર્ટીના શુતરાણા વિધાનસભાના ધારાસભ્ય કુલવંત સિંહ બાજીગર અને તેમના પુત્રો તેમજ સહયોગીઓ વિરુદ્ધ અપહરણ અને ઈરાદાપૂર્વક ઈજા પહોંચાડવાનો ગંભીર કેસ નોંધાયો છે. કરીમનગરના રહેવાસી ગુરચરણ સિંહ કાલાની ફરિયાદના આધારે પોલીસ દ્વારા એફઆઈઆર (FIR) દાખલ કરવામાં આવી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે આ વાતની સત્તાવાર પુષ્ટિ કરી છે.

ફરિયાદી ગુરચરણ સિંહ કાલાએ પોલીસને આપેલી ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે મંગળવારે કેટલાક લોકોએ તેને કેથલના ખરકન ગામમાંથી બંદૂક અને લોખંડના સળિયાના જોરે કારમાં બળજબરીથી બેસાડીને તેનું અપહરણ કર્યું હતું. કાલાના જણાવ્યા અનુસાર, અપહરણકર્તાઓ તેને બાંધીને નરવાના નહેર પાસે લઈ ગયા હતા અને ત્યાંથી ધારાસભ્ય તથા તેમના પુત્રોને વીડિયો કોલ કર્યો હતો. આ દરમિયાન તેના પર સમાધાન કરવા માટે દબાણ લાવવામાં આવ્યું હતું.

મીડિયા રિપોર્ટ મુજબ, કાલાએ આરોપ મૂક્યો છે કે તેણે ધારાસભ્યના ભાઈ અને ગામના સરપંચનો વિરોધ કર્યો હતો, જેના કારણે ધારાસભ્ય અને તેમના પુત્રોએ અપહરણકર્તાઓને તેની હત્યા કરવા માટે કહ્યું હતું. કાલાએ ફરિયાદમાં કહ્યું કે, “મારા પર સળિયા વડે હુમલો કરવામાં આવ્યો અને મને ખૂબ જ ખરાબ રીતે ઘાયલ કરવામાં આવ્યો. જો નજીકના ખેતરમાં રહેલા ખેડૂતો મને બચાવવા ન આવ્યા હોત, તો હું બચી ન શક્યો હોત. તેમણે મને હોસ્પિટલમાં દાખલ કર્યો.” કેથલના એસપી ઉપાસનાએ આ વાતની પુષ્ટિ કરી છે કે કાલાના નિવેદન અને મેડિકલ રિપોર્ટના આધારે એફઆઈઆર નોંધવામાં આવી છે.

બીજી તરફ, ધારાસભ્ય કુલવંત સિંહ બાજીગરે પોતાના પર લાગેલા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે સ્પષ્ટતા કરી કે, “મારા અને મારા પરિવાર વિરુદ્ધના તમામ આરોપો તદ્દન ખોટા છે. ગુરચરણ સિંહ એક રીઢા અપરાધી છે, જેની સામે ૧૦થી વધુ એફઆઈઆર નોંધાયેલી છે. તે મારો અને મારા સરપંચ ભાઈનો વિરોધ કરી રહ્યો છે. જ્યારે મારા ભાઈ સર્વસંમતિથી સરપંચ તરીકે ચૂંટાયા હતા, ત્યારે પણ તે હાઈકોર્ટ ગયો હતો. કોર્ટે નવા ચૂંટણીનો આદેશ આપ્યો, ત્યારે પણ મારો ભાઈ ફરી જીત્યો. તેથી ગુરચરણ સિંહ અમારા પ્રત્યે દ્વેષભાવ રાખે છે.”

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button