‘ઠાકરે સેના’ના વિનોદ ઘોસાળકરના પુત્ર અભિષેકની હત્યા
બોરીવલીમાં હત્યારા મોરિસે નજીકથી ત્રણ ગોળી છોડી, પોતે આત્મહત્યા કરી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઉલ્હાસનગરના હિલ લાઈન પોલીસ સ્ટેશનમાં ભાજપના વિધાનસભ્ય ગણપત ગાયકવાડે શિંદે જૂથના નેતા મહેશ ગાયકવાડ પર ગોળીબાર કર્યાની ઘટનાને અઠવાડિયું નથી વીત્યું ત્યાં બોરીવલીમાં ઠાકરે જૂથના ભૂતપૂર્વ નગરસેવક અભિષેક ઘોસાળકર પર ગોળીબાર કરાયો હોવાની ઘટના સામે આવી હતી. ઉદ્ધવ ઠાકરેના નિકટવર્તી ભૂતપૂર્વ વિધાનસભ્ય વિનોદ ઘોસાળકરના પુત્ર પર ગોળીબારની ઘટનાથી રાજકીય વર્તુળમાં ખળભળાટ મચી ગયો હતો. બોરીવલીમાં આ ઘટના બાદ વાતાવરણ તંગદિલીભર્યું બની જતાં પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવો પડ્યો હતો.
ઘોસાળકર પર હુમલો કરનારી મોરિસ નામની વ્યક્તિએ પોતાને પણ ગોળી મારી લીધી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. હૉસ્પિટલમાં સારવાર દરમિયાન બન્નેનાં મૃત્યુ થયાં હોવાનું જાણવા મળ્યું હતું.
મળતી માહિતી મુજબ ઘટના ગુરુવારની સાંજે બોરીવલી પશ્ર્ચિમમાં આઈસી કૉલોની સ્થિત મોરિસ નોરોન્હાની ઑફિસ ખાતે બની હતી. રાજકીય વર્તુળમાં સારીએવી વગ ધરાવતો મોરિસ બોરીવલી પરિસરમાં સમાજસેવક તરીકે ઓળખ ધરાવે છે. સ્થાનિકોમાં મોરિસભાઈ તરીકે ઓળખાતા મોરિસે જ અભિષેક પર ગોળીબાર કર્યા પછી પોતાને ગોળી મારી હોવાનું જાણવા મળ્યું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ અભિષેક અને મોરિસ વચ્ચે ખાસ્સા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. અગાઉ પણ તેમની વચ્ચે ખટરાગ થયો હતો, જેને પગલે ગયા વર્ષે અભિષેકે મોરિસ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જોકે તાજેતરમાં બન્ને વચ્ચે સમજૂતી સધાઈ હોવાના સમાચાર આવ્યા હતા.
પોલીસ સૂત્રો અનુસાર ગુરુવારે સાંજે મોરિસે જ અભિષેકને એક કાર્યક્રમ માટે આમંત્રિત કર્યો હતો. કાર્યક્રમ શરૂ કરતાં પૂર્વે બન્ને જણ મોરિસની ઑફિસમાં બેઠા હતા. ફેસબુક લાઈવ પર બન્નેએ તેમની વચ્ચે સમજૂતીની વાતો પણ કરી હતી.
જોકે બાદમાં એકાએક અભિષેક પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ હુમલામાં અભિષેકને ત્રણ ગોળી વાગી હતી. કહેવાય છે કે મોરિસે પણ પોતાને ગોળી મારી લીધી હતી. ગોળીબારનો અવાજ સાંભળી ઘટનાસ્થળે હાજર લોકો દોડી આવ્યા હતા. બન્નેને નજીકની ખાનગી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા અને હૉસ્પિટલ બહાર એકઠા થવા લાગ્યા હતા. ગોળીબાર કરનારા મોરિસની કારની તોડફોડ કરવામાં આવી હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું. જોતજોતાંમાં વાતાવરણ તંગદિલીભર્યું થઈ જતાં પોલીસે કડક સુરક્ષાવ્યવસ્થા ગોઠવી દીધી હતી.
કહેવાય છે કે સમાજસેવાનાં કાર્યોથી મોરિસે સંબંધિત વિસ્તારમાં ખાસ્સી લોકપ્રિયતા મેળવી હતી, જેને પગલે તે રાજકારણમાં પ્રવેશવાનું વિચારી રહ્યો હતો. દરમિયાન ગર્લફ્રેન્ડ સાથે દુષ્કર્મ અને છેતરપિંડીના કેસમાં પોલીસે મોરિસની ધરપકડ કરી હતી. એ કેસમાં ત્રણ મહિના તેણે જેલમાં વિતાવવા પડ્યા હતા. આ કાવતરું અભિષેકે ઘડ્યું હોવાની શંકા મોરિસને હતી. આ વાતને લઈ તેના મનમાં રોષ ધરબાયેલો હતો, એવું સૂત્રોનું કહેવું છે.
ફેસબુક લાઈવ પર ગોળીબારનો વીડિયો વાયરલ
મુંબઈ: બોરીવલીમાં ભૂતપૂર્વ નગરસેવક અભિષેક ઘોસાળકર પર ગોળીબારની ઘટનાના ગણતરીના કલાકોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં મોરિસ અને ઘોસાળકર ફેસબુક લાઈવ પર નજરે પડે છે અને પછી એકાએક ગોળીબાર થાય છે.
લાઈવ વીડિયોમાં મોરિસ અને અભિષેક એક ઑફિસમાં બેઠા હોવાનું નજરે પડે છે. બન્ને જણ વચ્ચેની સમજૂતીથી બોરીવલી-કાંદિવલી પરિસરના નાગરિકોના હિતમાં વિકાસકામોને ગતિ મળશે, એવું અભિષેક વીડિયોમાં કહેતો સંભળાય છે.
અભિષેક કહે છે કે મોરિસે સાડી અને રેશન વહેંચણીના કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેમાં મને બોલાવ્યો છે. સારા વિઝન સાથે મળીને કામ કરવાથી નાગરિકોને લાભ થશે. અમે નાગરિકોના હિતમાં કામ કરવા માટે સાથે આવ્યા છીએ, એવું અભિષેકને કહેતો સાંભળવા મળે છે.
ફેસબુક લાઈવ દરમિયાન મોરિસ વચ્ચે વચ્ચે ઊભો થઈને કૅમેરાથી દૂર જતો નજરે પડે છે. છેલ્લે મોરિસ અભિષેકને કાર્યક્રમ શરૂ કરતાં પૂર્વે બે શબ્દો બોલવાનું કહીને કૅમેરા સામેથી ખસી જાય છે. પછી એકાએક ગોળીબારનો અવાજ આવે છે અને અભિષેક ગોળીબારથી બચવા ભાગતો નજરે પડે છે.