હિમ ઝંઝાવાતને લીધે મ્યુનિક હવાઈમથક બંધ
મધ્ય યુરોપમાં હવાઈ વ્યવહાર ખોરવાયો
બરફના તોફાનનો કેર: દક્ષિણ જર્મની અને ઓસ્ટ્રિયા તેમ જ સ્વિત્ઝરલેન્ડના કેટલાક ભાગોમાં શનિવારે બરફનું તોફાન ત્રાટક્યું હતું. તેનાં પગલે જર્મનીના મ્યુનિક એરપોર્ટ પરથી વિમાન ઊડી શક્યા નહોતા અને ઉતારુઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. (એપી/પીટીઆઈ)
બર્લિન: બરફના તોફાનને લીધે દક્ષિણ જર્મની અને ઓસ્ટ્રિયા, સ્વીટઝરલૅન્ડ અને ઝેક રીપબ્લિકના વિસ્તારો હિમગ્રસ્ત થતાં મ્યુનિક હવાઈમથક બંધ કરાયું હતું અને આને પગલે યુરોપનો હવાઈ વ્યવહાર ખોરવાઈ ગયો હતો. સત્તાવાળાઓએ શરૂઆતમાં હવાઈ વ્યવહાર શનિવાર બપોર સુધી બંધ કર્યો હતો. જોકે હવાઈમથકે પછી રવિવાર સવારના છ વાગ્યા સુધીના બધા હવાઈઉડ્ડયનો રદ કર્યા હતા. યુરોપના સ્વીટઝરલૅન્ડની વાણીજય રાજધાની ઝુરિચ સહિતના હવાઈમથકોએ પણ ખરાબ હવામાનને લીધે ફ્લાઈટમાં વિલંબ કે રદ કરવાની જાહેરાત કરવી પડી હતી. મ્યુનિક સેન્ટ્રલ સ્ટેશનમાં આવતી અને ત્યાંથી જતી ટ્રેનો અટકાવી દેવાઈ હતી. જર્મની નેશનલ રેલવે આ જાહેરાત કરતાં પેસેન્જરને તેમની મુસાફરી
અટકાવવાની કે પછી બીજા માર્ગથી કરવાની સલાહ આપી હતી. મ્યુનિક અને નજીકના ઉલમમાં લોકોએ શુક્રવારની રાત ટ્રેનમાં જ વીતાવી હતી. મ્યુનિકમાં શનિવાર બપોરથી બસ અને ટ્રામ પણ ચાલતી નથી. બાવરિયા રાજ્યમાં ઝાડ તૂટવાને લીધે વીજળી જ નથી. ઓસ્ટ્રિયા અને સ્વીટ્ઝરલૅન્ડમાં હિમવર્ષાને લીધે ભેખડ પડવાનો ભય ઊભો થયો હતો. અનેક રોડ હિમને લીધે બંધ થઈ ગયા છે. ઝેક રીપબ્લિકમાં હાઈવે અને રોડ બંધ થઈ ગયા છે અને ૧૫૦૦૦ ઘરોમાં વીજળી જ નથી. (એજન્સી)