મુંબઈ ટ્રેન ધડાકાના આરોપીએ એનઆઈએને છ કલાક રાહ જોવડાવી
નવી દિલ્હી: પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઈન્ડિયા (પીએફઆઈ) સંબંધિત કેસને મામલે દરોડા પાડનાર નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ની ટીમે ૭/૧૧ મુંબઈ ટ્રેન ધડાકાના કેસના આરોપી અબ્દુલ વાહિદ શેખની તેનાં વિક્રોલીસ્થિત નિવાસસ્થાનની બહાર છ કલાક રાહ જોવી પડી હતી, એમ અધિકારીઓએ કહ્યું હતું.
આરોપીએ છ કલાક કરતા પણ વધુ સમય સુધી ઘરનો દરવાજો ન ખોલતાં એનઆઈએની ટીમને તેનાં ઘરની બહાર રાહ જોવાની ફરજ પડી હોવાનું અધિકારીઓએ કહ્યું હતું.
ગયા વરસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બિહારની મુલાકાત દરમિયાન અવ્યવસ્થા ઊભી કરવા સંબંધિત કેસને મામલે પીએફઆઈ વિરુદ્ધ છ રાજ્યના અનેક સ્થળે દરોડા પાડવાનાં ભાગરૂપ આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું. એનઆઈએની ટીમ અને મુંબઈ પોલીસે સાથે
મળીને બુધવારે વહેલી સવારે પાંચ વાગ્યે વિક્રોલીના પર્કસાઈટ પાસે આવેલી ચાલસ્થિત આરોપીના નિવાસસ્થાને પહોંચી હતી. આરોપીએ ઘરની અંદરથી જ એનઆઈએ પાસે સર્ચ વૉરન્ટની માગણી કરી હતી.
આરોપીનો વકીલ અને અમુક સામાજિક કાર્યકર્તા ઘટનાસ્થળે પહોંચ્યા બાદ લગભગ ૧૧:૧૫ વાગે તેણે ઘરનો દરવાજો ખોલ્યો હતો.
ત્યાર બાદ એનઆઈએની ટીમ આરોપીના ઘરમાં પ્રવેશી હતી અને કેસ સંબંધિત પૂછપરછ કરી હતી. (એજન્સી)