વક્ફ કાયદાની વિરોધમાં મુંબઈથી લઈ કોલકાતામાં પ્રદર્શનઃ બંગાળના પ્રધાને આપી આવી કંઈક ધમકી…

મુંબઈ/નવી દિલ્હી/કોલકાતા: વકફ ખરડાને સંસદમાં રજૂ કરવામાં આવ્યું ત્યારથી લઈને હવે કાયદો બની ગયો ત્યાં સુધી હજુ તેનો વિરોધ ચાલી રહ્યો છે. વિરોધ પક્ષ ઉપરાંત ઘણા મુસ્લિમ સંગઠનોએ વકફ કાયદા વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. તે ઉપરાંત વિદ્યાર્થીઓએ પણ આ કાયદાનો વિરોધ નોંધાવ્યો હતો. આજે આર્થિક પાટનગર મુંબઈથી લઈને કોલકાતામાં મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા વક્ફ બિલનો જોરદાર વિરોધ કરવા સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. દરમિયાન પશ્ચિમ બંગાળ સરકારમાં મંત્રી અને જમિયત ઉલેમા-એ-હિંદના બંગાળ અધ્યાયના વડા સિદ્દીકુલ્લાહ ચૌધરીએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે કોલકાતામાં 50 જગ્યાઓ પર મુસ્લિમોને બેસાડીને વકફનો વિરોધ કરવામાં આવશે.
મુંબઈના રસ્તાઓ પર AIMIMના સમર્થકો
મુંબઈમાં પણ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMના કાર્યકરોએ શુક્રવારની નમાજ બાદ વક્ફ કાયદાના વિરોધ માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા. પોલીસે AIMIM નેતા વારિસ પઠાણ અને કેટલાક વિરોધ કરી રહેલા લોકોની અટકાયત કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર તંત્રની મંજૂરી વિના જ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
કોલકાતામાં વકફ સુધારાનો વિરોધ
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં આલિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વકફ સુધારાના વિરોધમાં કેમ્પસમાં વિરોધ રેલી કાઢી હતી. તે ઉપરાંત લખનૌમાં શિયા સમુદાયના લોકોએ શુક્રવારની નમાજ બાદ શિયા ધાર્મિક નેતા કલ્બે જવાદના નેતૃત્વમાં એક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યાં હાજર લોકો વકફ સુધારા વિરુદ્ધ સૂત્રો લખેલા પોસ્ટર બતાવ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર ગુરુવારના રોજ કોલકાતાના રામલીલા મેદાનમા જમીયત-એ-ઉલેમાના પશ્ચિમ બંગાળ યુનિટ દ્વારા વિશાળ રેલીનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીને સંબોધિત કરતાં સિદ્દીકુલ્લાહ ચૌધરીએ કહ્યું હતું કે કોલકાતામા ટ્રાફિક જામ કરી દેવાની ધમકી આપી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ ધારે તો તેઓ કોલકાતામાં ચક્કાજામ કરી શકે છે.
કોલકાતાને ઠપ્પ કરવા માંગીએ તો….
તેમણે કહ્યું, જો અમે કોલકાતાને ઠપ્પ કરવા માંગીએ તો અમે અહીં 50 સ્થળોએ લોકોને ભેગા કરી શકીએ છીએ અને ટ્રાફિકને રોકી શકીએ છીએ. અમે હજુ સુધી તે કર્યું નથી, પરંતુ અમારી તે અંગેની યોજના છે. અમારી રણનીતિ જિલ્લાઓથી શરૂ કરવાની છે અને પછી કોલકાતામાં 50 સ્થળોએ 10 હજાર લોકોને તૈનાત કરવાની છે. તેમને બીજું કંઈ કરવાની જરૂર નથી, તેઓ આવશે, બેસીને મમરા, ગોળ અને મીઠાઈ ખાશે.
BJP-RSS પર આક્ષેપ
સિદ્દીકુલ્લાહ ચૌધરીએ કહ્યું કે જમિયત ઉલેમા-એ-હિન્દ વક્ફ બિલ વિરુદ્ધ એક કરોડ લોકોની સહી કરાવશે અને પછી તેને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મોકલવામાં આવશે. તેમણે કહ્યું કે આરએસએસ અને ભાજપે મુસ્લિમ સમુદાયને નિશાન બનાવવા માટે સંયુક્ત રીતે આ કાયદો લાવ્યો છે. દરમિયાન, બંગાળના વિપક્ષી નેતા શુભેન્દુ અધિકારીએ કહ્યું કે મુખ્યમંત્રી કેવી રીતે નક્કી કરશે કે કાયદો ગેરબંધારણીય છે. વકફ બિલ હવે કાયદો બની ગયો છે અને દરેક વ્યક્તિએ બંધારણનું પાલન કરવું પડશે.
આપણ વાંચો : Waqf Bill મુદ્દે મહારાષ્ટ્ર કોંગ્રેસે કહ્યું સરકાર પદ્મનાભ મંદિરનું સોનું પડાવવા માંગે છે…