ટોપ ન્યૂઝનેશનલ

વિશ્વસનીયતાના ઊંચા આયામ સિદ્ધ કર્યાં છે મુંબઈ સમાચારેઃ અમિત શાહ

ઝાંસીની રાણીની શહાદત અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શપથ છાપનારુ એકમાત્ર અખબાર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વિશ્વસનીયતાના નવા શિખરો મુંબઈ સમાચારે પોતાના 200 વર્ષની યાત્રામાં સિદ્ધ કર્યા છે, એમ જણાવતા દેશના ગૃહપ્રધાન અમિત શાહે ‘મુંબઈ સમાચાર’ની 200 વર્ષની યાત્રાને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે ઝાંસીની રાણીની શહાદત અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 2014માં થયેલા શપથને પ્રકાશિત કરનારું એક માત્ર અખબાર ‘મુંબઈ સમાચાર’ છે.
‘મુંબઈ સમાચાર’ની 200 વર્ષની યાત્રા પર આધારિત દસ્તાવેજી ફિલ્મ ‘મુંબઈ સમાચાર 200 નોટઆઉટ’નું અનાવરણ કરતા તેમણે કહ્યું હતું કે આ દસ્તાવેજી ફિલ્મ એક ભાષાકીય ફિલ્મની અનેરી સિદ્ધિ દર્શાવે છે, તેથી આ ફિલ્મને હિંદી અને અંગ્રેજી ભાષામાં ડબ કરવાની મારા તરફથી વિનંતી કરું છું કેમ કે એક ભાષાકીય અખબારની સિદ્ધિ આખી દુનિયા સુધી પહોંચવી જોઈએ.



‘મુંબઈ સમાચાર’ અને વિશ્વસનીયતાનો સંબંધ સમજાવતા તેમણે કહ્યું હતું કે હું મુંબઈમાં જન્મ્યો છું અને અહીં અવરજવર કરતો હતો. એક વાત ત્યારથી સાંભળું છું, જે તમારા કાન સુધી પહોંચી હશે કે ‘મુંબઈ સમાચાર’માં છપાયું એટલે સાચું.
આ વાક્ય અખબારની વિશ્વસનીયતા દર્શાવે છે અને આવી વિશ્વસનીયતા મેળવવા માટે તપ કરવું પડે છે. વિચારધારામાં સપડાયા વગર નિષ્પક્ષ અને સાચી વાત છાતી ઠોકીને કહેવા માટે મુંબઈ સમાચાર પ્રખ્યાત છે.



દેશમાં ભાષાને જીવંત રાખવાની આવશ્યક્તા વ્યક્ત કરતા તેમણે કહ્યું હતું કે મુંબઈમાં 200 વર્ષથી ગુજરાતી ભાષાની સેવા કરનારા અખબાર મુંબઈ સમાચારને ધન્યવાદ છે. ભવિષ્યમાં આપણા સંતાનો ગુજરાતી ભાષાને જીવંત રાખે તે માટે બધા સંકલ્પ કરે કે ઘરમાં ફક્ત ગુજરાતી ભાષાનો ઉપયોગ કરીશું. તેમણે એમ પણ કહ્યું હતું કે ભારતમાં ભાષાઓ જીવંત રાખવાના મહત્ત્વને સમજીને નવી શિક્ષણ નીતિમાં પ્રાથમિક શિક્ષણ ફરજિયાત માતૃભાષામાં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.



મુંબઈ સમાચારના પારસી માલિકોની વાત કરતા તેમણે કહ્યું હતું કે આ સંસ્થાની માલિકી પારસીઓ પાસે જ રહેલી છે એટલે જ કદાચ 200 વર્ષની સફર ખેડી શક્યા છે. દેશમાં દરેક ક્ષેત્રમાં પારસીઓના યોગદાનને બિરદાવતા તેમણે કહ્યું હતું કે દેશની આ એક લઘુમતી કોમ એવી છે જેણે ક્યારેય અધિકારો માટે લડાઈ નથી કરી. દેશ માટે યોગદાન આપ્યું છે. દેશની બધી જ લઘુમતી કોમ આવી હોય એવી હું પ્રાર્થના કરું છું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button