
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બૅંકના ભંડોળમાંથી 122 કરોડ રૂપિયાની ઉચાપત કરવાના આરોપસર ન્યૂ ઇન્ડિયા કો-ઓપરેટિવ બૅંકના ભૂતપૂર્વ જનરલ મેનેજર અને હૅડ ઑફ એકાઉન્ટ્સ હિતેશ પ્રવીણચંદ્ર મહેતાની આર્થિક ગુના શાખાએ શનિવારે ધરપકડ કરી હતી. પોલીસે મહેતાના દહિસરના નિવાસે રેઇડ પાડી કેટલાક દસ્તાવેજો પણ જપ્ત કર્યા હતા. બૅંકના એક્ટિંગ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર દેવર્ષી શિશિરકુમાર ઘોષની ફરિયાદને આધારે દાદર પોલીસે શનિવારે મહેતા તથા તેના સાથીદાર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. મહેતા અને તેના સાથીદારે બૅંકની પ્રભાદેવીમાં એસ. વી. નાગવેકર માર્ગ પર આવેલી બ્રાન્ચ તથા ગોરેગામ ખાતેની બ્રાન્ચમાંથી 122 કરોડ રૂપિયાની ઉચાપત કર્યાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો. દરમિયાન મામલાને ગંભીરતાથી જોતાં તેની તપાસ આર્થિક ગુના શાખાને સોંપવામાં આવી છે.
પોલીસ ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે મહેતા દાદર અને ગોરેગામની બ્રાન્ચ સંભાળતો હતો. તેણે 2020થી 2025 દરમિયાન પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી બેન્કની તિજોરીમાંથી 122 કરોડ રૂપિયાની ઉચાપત કરી હતી. આમાં પ્રભાદેવીની બ્રાન્ચમાંથી 112 કરોડ રૂપિયા અને ગોરેગામની બ્રાન્ચમાંથી 10 કરોડ રૂપિયાની ઉચાપત કરાઇ હતી.
મહેતા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યા બાદ આર્થિક ગુના શાખાની ટીમ મહેતાના દહિસર વિસ્તારમાં આર્યાવત સોસાયટીમાં આવેલા નિવાસે પહોંચી હતી, જ્યાંથી કેટલાક દસ્તાવેજો જપ્ત કરાયા હતા. દરમિયાન મહેતાને તાબામાં લેવાયા બાદ તેને પૂછપરછ માટે આર્થિક ગુના શાખાની દક્ષિણ મુંબઇની ઓફિસમાં લવાયો હતો, જ્યાં પૂછપરછ બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. મહેતાને રવિવારે કોર્ટમાં હાજર કરવામાં આવશે.
Also read: કોટક બૅંકના કડાકાને કારણે સેન્સેક્સમાં ગાબડું, નિફ્ટી ૨૪,૮૦૦ની નીચે સરક્યો, બંને બેન્ચમાર્કમાં ૭૩ પોઇન્ટ લપસ્યા!
નોંધનીય છે કે ન્યૂ ઇન્ડિયા કો-ઓપરેટિવ બૅંકના કામકાજમાં ગરબડ હોવાનું કારણ આપી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) દ્વારા બૅંક વિરુદ્ધ કેટલાક નિયંત્રણો લાદવામાં આવ્યાં છે. આરબીઆઇએ બૅંક પર નવી લોન આપવા પર કે તેમાંથી ગ્રાહકોને કોઇ પણ પ્રકારની ડિપોઝિટના ઉપાડ પર છ મહિના માટે પ્રતિબંધ મૂકતાં ભંડોળ ઉપાડવા માટે બૅંકની બહાર ખાતાધારકોની લાંબી લાઇન જોવા મળી હતી.
આરબીઆઇએ શુક્રવારે કો-ઓપરેટિવ બૅંકના બોર્ડને એક વર્ષ માટે સસ્પેન્ડ કર્યું હતું અને બૅંકનું કામકાજ જોવા માટે એડમિનિસ્ટ્રેટરની નિમણૂક કરી છે. તેમને મદદ કરવા સલાહકારોની સમિતિ પણ નીમવામાં આવી છે. ન્યૂ ઇન્ડિયા કો-ઓપરેટિવ બૅંકની 28 બ્રાન્ચ છે, જેમાંથી મોટા ભાગની મુંબઈમાં આવેલી છે, જ્યારે બે સુરતમાં અને એક પુણેમાં છે.