મર્યાદિત કામકાજે બ્રાસ શીટ કટિંગ્સ સિવાયની ચોક્કસ ધાતુમાં નરમાઈ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ લંડન મેટલ એક્સચેન્જ ખાતે કોપર સહિતની ચોક્કસ ધાતુઓમાં નરમાઈનો અન્ડરટોન રહ્યો હોવાના નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ આજે એકમાત્ર બ્રાસ શીટ કટિંગ્સમાં વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે જોવા મળેલા કિલોદીઠ રૂ. ચારના સુધારા અને બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિનિયમ તથા કોપર સ્ક્રેપ હેવીમાં રહેલા ટકેલા વલણને બાદ કરતાં અન્ય તમામ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ અને સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. બેથી 30 સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મુખ્યત્વે ટીન, નિકલ અને કોપર કેબલ સ્ક્રેપમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીના દબાણ સામે સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. 30 ઘટીને રૂ. 3113, રૂ. 10 ઘટીને રૂ. 1348 અને રૂ. પાંચ ઘટીને રૂ. 870ના મથાળે રહ્યા હતા. આ સિવાયની અન્ય ધાતુઓ જેમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી તેમ જ માગ પણ નિરસ રહેતાં ભાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હતું તેમાં કોપર આર્મિચર, કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ અને લીડ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. ત્રણ ઘટીને અનુક્રમે રૂ. 844, રૂ. 775 અને રૂ. 182 તથા કોપર વાયરબાર અને ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. બે ઘટીને અનુક્રમે રૂ. 946 અને રૂ. 280ના મથાળે હ્હ્યા હતા.
આજે એકમાત્ર બ્રાસ શીટ કટિંગ્સમાં વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ચાર વધીને રૂ. 624ના મથાળે રહ્યા હતા, જ્યારે કોપર સ્ક્રેપ હેવી, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સમાં ખપપૂરતી માગ જળવાઈ રહેતાં ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. 861, રૂ. 575, રૂ. 218 અને રૂ. 253ના મથાળે ટકેલા રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.