Mumbai-Guwahati જઈ રહેલી ફ્લાઈટને ધુમ્મસ નડી, ‘Dhaka’માં ઈમરજન્સી લેન્ડિંગ કરાયું
મુંબઈ: દેશના ઉત્તર અને ઉત્તર પૂર્વીય રાજ્યોમાં ધુમ્મસને કારણે વાહન વ્યવહારને ગંભીર અસર પહોંચી રહી છે. આજે શનિવારે મુંબઈથી ગુવાહાટી(Mumbai-Guwahati) જઈ રહેલી ઈન્ડિગો એરલાઈન્સ(Indigo Airlines)ની ફ્લાઈટને ગાઢ ધુમ્મસને કારણે બાંગ્લાદેશના ઢાકા(Dhaka) તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. ગુવાહાટી એરપોર્ટની આસપાસ એટલું ગાઢ ધુમ્મસ છવાયેલું હતું કે પાયલોટને લેન્ડિંગ સ્ટ્રીપ પણ દેખાતી ન હતી. આવી સ્થિતિમાં ઈન્ડિગો પ્લેનને ઢાકામાં લેન્ડ કરવામાં આવ્યું હતું.
સોશિયલ મડિયા પર એક પોસ્ટમાં મુંબઈ યુથ કોંગ્રેસના ભૂતપૂર્વ વડા સૂરજ સિંહ ઠાકુરે આ ઘટના વિશે પોસ્ટ કર્યું. તેણે કહ્યું, “હું મુંબઈથી ગુવાહાટી માટે ઈન્ડિગોની ફ્લાઈટ 6E 5319માં મુસાફરી કરી રહ્યો હતો. પરંતુ ગાઢ ધુમ્મસને કારણે ફ્લાઈટ ગુવાહાટીમાં લેન્ડ થઈ શકી ન હતી, તેના બદલે તેને ઢાકા તરફ ડાયવર્ટ કરવમાં આવી હતી.” તેમણે કહ્યું કે હાલમાં ફ્લાઇટના તમામ મુસાફરો પાસપોર્ટ વિના આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરી રહ્યા છે.
તેમણે જણાવ્યું કે મુસાફરોને ફ્લાઈટની અંદર જ બેસાડી રાખવામાં આવ્યા છે. હું નવ કલાકથી પ્લેનમાં છું. હું ભારત જોડો ન્યાય યાત્રા માટે મણિપુરના ઈમ્ફાલ જઈ રહ્યો હતો. હવે જોઈએ કે અમે ક્યારે ગુવાહાટી પહોંચીએ અને પછી ત્યાંથી ઈમ્ફાલની ફ્લાઈટ ક્યારે મળે.