મુંબઈગરાઓ-દિલ્હી જેવા હાલ ન થાય જોજોઃ ફટાકડા ફોડતા પહેલા આ વાંચો

મુંબઈઃ આજે સૌથી મોટો તહેવાર દિવાળી ધામધમૂથી ઉજવાઈ રહી છે. આ આનંદના તહેવારમાં નવા કપડા, નવી વસ્તુઓ, મીઠાઈ, નાસ્તા સાથે ફટકડા ફોડવાનો રિવાજ પણ સામેલ છે, પરંતુ પ્રકૃતિ હવે આપણને આની પરવાનગી ન આપતી હોય તેમ લાગી રહ્યું છે. આમા દોષ આપણો જ છે, પર્યાવરણનું જતન કરવાનું આપણે ચૂકી ગયા છીએ અને હવે પ્રદૂષણની પરોજણ આપણી માટે મોટો પડકાર બની ગઈ છે.
દિલ્હીની આબોહવા ઝેરી થઈ હોવાના અહેવાલો રોજ આવે છે ત્યારે મુંબઈમાં પણ હવાની ગુણવત્તા ઘટી ગઈ હોવાના અહેવાલો છે. આથી દિવાળી ચોક્કસ ઉજવજો, પરંતુ ફટાકડા ફોડતા પહેલા થોડો વિચાર કરી લેજો.
દિવાળીના દિવસો અને સવારે અને રાત્રે પડતી ઠંડીના કારણે મુંબઈમાં હવાની ગુણવત્તા પર પણ અસર થઈ રહી છે અને રવિવારે, બાંદ્રા અને કોલાબામાં હવાની ગુણવત્તા સીધી 200 AQI ને વટાવી ગઈ હોવાનું જાણવા મળ્યું છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે હવા કેટલી ખરાબ થઈ ગઈ છે. હવાના પ્રદૂષણને લીધે નાના બાળકો, વૃદ્ધો, સગર્ભાઓ સૌએ ખાસ તકેદારી રાખવાની જરૂર છે.
મુંબઈમાં હવાની ગુણવત્તા 10 ઓક્ટોબરથી જ બગડવાની શરૂઆત થઈ હતી. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની હવા ગુણવત્તા મોનિટરિંગ એપમાંથી મળેલી માહિતી અનુસાર, રવિવારે મુંબઈની સરેરાશ હવાની ગુણવત્તા 159 AQI નોંધાઈ હતી, જે માર્ચ પછીનો સૌથી વધુ હોવાનું કહેવાય છે.
કોલબા અને બાન્દ્રામાં ભારે પ્રદૂષણ
દરમિયાન, મુંબઈના વિવિધ ભાગોમાં હવાની ગુણવત્તાનું નિરીક્ષણ કરવા માટે BMC અને મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જે સિસ્ટમ બેસાડવામાં આવી છે, તેના રીડિંગ્સ અનુસાર, બાંદ્રામાં હવાની ગુણવત્તા 218 AQI નોંધાઈ હતી અને કોલાબામાં આ જ આંકડો 206 AQI હતો.
અન્ય વિસ્તારોની વાત કરીએ તો મુંબઈના ઘણા ભાગોમાં હવાની ગુણવત્તા 100 થી 200 AQI ની વચ્ચે છે. ચેમ્બુર ૧૮૧, વિલે પાર્લે ૧૬૯, ગોવંડી ૧૬૯, મલાડ ૧૬૩, ભાયખલા ૧૫૬, ઘાટકોપર ૧૫૨, સાયન ૧૩૧, કાંદિવલી ૧૧૭, બોરીવલી ૧૦૯, શિવરી ૧૦૭ અને વર્લી ૧૦૨ એઆઈક્યુ નોંધાયા છે.
મુંબઈ પોલીસે ખાસ પરિપત્ર બહાર પાડી લોકોને ફટાકડા ફોડવા મામલે સંયમ રાખવા જણાવ્યું છે. મુંબઈ ખૂબ જ ગીચ વિસ્તાર હોવાથી અહીં પ્રદૂષણ ફેલાવવાનો ભય વધારે હોય છે. દિલ્હીમાં ખૂબ જ ખરાબ હાલત છે અને સરકારના ઘણા પ્રયત્નો છતાં હવાનું સ્તર નીચું જાય છે ત્યારે તંત્ર સાથે લોકોએ પણ સતર્ક રહેવાની જરૂર છે.
આ પણ વાંચો…દિલ્હીની હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ શ્રેણીમાં પહોંચી, GRAP-2 લાગુ…