વલસાડના ડુંગરી નજીક પોઈન્ટ ફેલ્યોરને પગલે મુંબઈ-અમદાવાદ રેલ વ્યવહાર ખોરવાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વલસાડના ડુંગરી રેલવે સ્ટેશન ખાતે સિગ્નલ પોઈન્ટ ફેલિયર થવાની ઘટના બની હતી. જેના કારણે મુંબઈ-અમદાવાદ વચ્ચેનો રેલ વ્યવહાર એક કલાકથી વધુ સમય સુધી ખોરવાયો હતો. ઘટનાની જાણ વલસાડ રેલવેના ઉચ્ચ અધિકારીઓને થતા તાત્કાલિક ટેક્નિકલ ટીમ મોકલી રેલવે સિગ્નલ કાર્યરત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ વલસાડ તાલુકાના ડુંગરી રેલવે સ્ટેશન ખાતે સિગ્નલ પોઈન્ટ ફેલિયર થતા ડુંગરી રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તર સહિતના અધિકારીઓએ મેન્યુલી સિગ્નલ ઓપરેટ કરીને ટ્રેનોને કાર્યરત રાખવાનો પ્રયાસ કર્યો હતો. સિગ્નલ ફેલિયર થતા ગુજરાત એક્સપ્રેસ ટ્રેન ૩૦ મિનિટ માટે ડુંગરી રેલવે સ્ટેશન ખાતે ઊભી રાખવાની ફરજ પડી હતી.
વલસાડ રેલવે વિભાગને ઘટનાની જાણ કરતા વલસાડ રેલવે વિભાગે તાત્કાલિક ડુંગરી રેલવે સ્ટેશન ખાતે ટેક્નિકલ ટીમ મોકલી ફેલિયર સિગ્નલ ઓટો કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મુંબઈ-અમદાવાદ વચ્ચેની કેટલીક ટ્રેનો ૩૦ મિનિટ જેટલી લેટ ચાલી હતી. જેને કારણે રેલવેમાં યાત્રા કરતા નોકરિયાત વર્ગ અટવાયો હતો.