નેશનલ

મુખ્તાર અંસારીની તબિયત ફરી લથડી, હાર્ટ એટેકની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ

ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં બંધ માફિયા ડોન અને પૂર્વ સાંસદ મુખ્તાર અંસારીને હાર્ટ એટેક આવ્યો છે. મુખ્તાર અંસારી તેની જેલ બેરેકમાં બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો, ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. થોડા દિવસો પહેલા અંસારીએ દાવો કર્યો હતો કે તેને ઝેર આપીને મારી નાખવાનો પ્રયાસ થઈ શકે છે. આ દરમિયાન, તેની તબિયત ફરીથી બગડતાં મુખ્તારને નજીકની મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનિય છે કે મુખ્તાર અંસારીની જેલમાં ત્રણ ડોક્ટરોની પેનલ દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી હતી. છેલ્લા કેટલાક દિવસોથી માફિયા ડોનની હાલત નાજુક હતી. બુધવારે મોડી રાત્રે અંસારીની તબિયત અચાનક બગડતાં તેને મેડિકલ કોલેજમાં દાખલ કરવા પડ્યા હતા. અંસારીની હાલત નાજુક હોવાનું બહાર આવ્યું હતું અને તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. હવે ફરીથી હાર્ટ એટેકના કારણે તેમની તબિયત લથડી છે, ડોક્ટરો દ્વારા તેમની સારવાર કરવામાં આવી રહી છે.

હજુ થોડા દિવસો પહેલા મુખ્તાર અંસારીએ એક પત્ર દ્વારા સનસનાટીભર્યા દાવા કર્યા હતા. મુખ્તાર અંસારીએ પોતાના વકીલ રણધીર સિંહ સુમન મારફત જજને અરજી લખી હતી. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે તેને જેલમાં જ ભોજન 19 માર્ચે આપવામાં આવ્યું હતું. તેમાં કોઈ પ્રકારનો ઝેરી પદાર્થ હતો. આ ખોરાક ખાધા પછી તેની તબિયત બગડી હતી. હાથ-પગની નસોમાં સખત દુખાવો થવા લાગ્યો હતો અને હાથ-પગ ઠંડા થવા લાગ્યા હતો. હું મરી જઈશ એવું લાગ્યું હતું. પત્રમાં લખવામાં આવ્યું હતું કે તે નર્વસ ફીલ કરી રહ્યો હતો. તેમણે કહ્યું કે કોઈ સારા ડૉક્ટર પાસે મારી સારવાર કરાવો. 40 દિવસ પહેલા પણ મને ઝેરી દવા આપવામાં આવી હતી.

જો કે એ અલગ વાત છે કે જેલ તંત્રએ તે તમામ આરોપોને ફગાવી દીધા હતા, તેમણે એ વાત પર ભાર મૂકતા કહ્યું હતું કે 900 અન્ય કેદીઓ પણ તે જ ખાય છે જે અંસારીને આપવામાં આવે છે અને તેમને કંઈ થતું નથી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે અંસારી સુધી પહોંચે છે તે ખોરાક પહેલા પોલીસ અધિકારીઓ દ્વારા ચાખવામાં આવે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button