કડક સુરક્ષા હેઠળ મુખ્તાર અંસારીની દફનવિધિ કરાઇ

અંતિમયાત્રા: ગાઝીપુર જિલ્લાના મોહમદાબાદ ખાતે શનિવારે કાઢવામાં આવેલી ગૅન્ગસ્ટરમાંથી રાજકારણી બનેલા મુખ્તાર અંસારીની અંતિમયાત્રામાં હજારો લોકોએ ભાગ લીધો હતો. ઈનસેટમાં પિતાના પાર્થિવ દેહની પાસે ઊભેલો પુત્ર ઉમર અન્સારી. (એજન્સી)
ગાઝીપુર: ગૅન્ગસ્ટરમાંથી રાજકારણી બનેલા મુખ્તાર અંસારીની ગાઝીપુરના કાલીબાગ કબ્રસ્તાન ખાતે શનિવારે કડક સલામતી વ્યવસ્થા હેઠળ દફનવિધિ કરાઇ હતી. મુખ્તાર અંસારીના મૃતદેહને તેમના ઘરથી અંદાજે અડધા કિલોમીટર દૂર આવેલા કબ્રસ્તાન ખાતે લવાયો હતો અને શુક્રવારે ત્યાં ખોદાયેલી કબરમાં દફનાવાયો હતો.
મુખ્તાર અંસારીનું ગુરુવારે હૃદયરોગના હુમલાથી અવસાન થયું, તે પછી તેના મૃતદેહને શુક્રવારે મધરાતે તેમના મૂળ વતન લવાયો હતો. દફનવિધિ વખતે મુખ્તાર અંસારીનો દીકરો ઉમર અંસારી અને ભાઇ અફઝલ અંસારી સહિત પરિવારના સભ્યો તેમ જ સગાં હાજર રહ્યા હતા.
પોલીસને મુખ્તાર અંસારીના ઘરની પાસે મોટી સંખ્યામાં ભેગા થયેલા લોકોને અંકુશમાં રાખવા બહુ મુશ્કેલી પડી હતી.
વારાણસી રેન્જના ડીઆઇજી ઓ. પી. સિંહે જણાવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પૂરતી સંખ્યામાં પોલીસ ગોઠવવામાં આવી છે.
અહીંના અન્ય એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મુખ્તાર અંસારીનો પરિવાર પોલીસને સહકાર આપી રહ્યો છે.
અગાઉ, બાંદા જેલમાંના મુખ્તાર અંસારીને ગુરુવારે તબિયત બગડતા તેમને રાણી દુર્ગાવતી મેડિકલ કોલેજમાં દાખલ કરાયા હતા. બાદમાં તેમની તબિયત વધુ બગડતા અવસાન થયું હતું.
(એજન્સી)