ગેંગસ્ટર મુખ્તાર અંસારીના ભાઈને સુપ્રીમ કોર્ટે આપી રાહત, જાણો કેમ?
નવી દિલ્હી: BSP સાંસદ અફઝલ અન્સારીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે તેમના સાંસદપદને પુન: સ્થાપિત કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે હાઇકોર્ટે જૂન 2024 સુધી આ કેસમાં સુનાવણી પૂર્ણ કરીને ચુકાદો આપી દેવાનો રહેશે.
સુપ્રીમ કોર્ટે આગળ આદેશમાં જણાવ્યું હતું કે ગાઝીપુર લોકસભા બેઠક પર પેટા ચૂંટણી નહિ થાય, તેમજ અફઝલ સંસદની કાર્યવાહીમાં ભાગ પણ લઇ શકશે.
BSP સાંસદ ઉત્તરપ્રદેશના કુખ્યાત માફિયા ડોન મુખ્તાર અન્સારીના ભાઇ છે. અફઝલ અન્સારીએ વર્ષ 2007ના ગેંગસ્ટર એક્ટના કેસમાં પોતાની સજા પર રોક લગાવવાની માગણી કરી હતી. રાહુલ ગાંધીના કેસને ટાંકીને અફઝલે સુપ્રીમ કોર્ટમાં તેની સજા પર રોક લગાવવા કહ્યું હતું.
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન, ભૂતપૂર્વ સાંસદ અફઝલ અન્સારી તરફથી વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે કોર્ટે કેસના દરેક પાસાઓ પર ધ્યાન આપવું જોઈએ, કારણ કે જો તેમની સજા પર રોક લગાવવામાં નહિ આવે તો તેમનો ગાઝીપુર મતવિસ્તાર પ્રતિનિધિત્વ વગરનો રહેશે.
અભિષેક મનુ સિંઘવીએ સુપ્રીમ કોર્ટમાં અફઝલની તરફેણમાં ઘણી દલીલો કરી હતી. તેમણે કોર્ટમાં જણાવ્યું હતું કે અફઝલ સંસદની વિવિધ સ્ટેન્ડિંગ કમિટીઓના સભ્ય છે, જો તેઓ સાંસદ નહિ રહે તો ત્યાં યોગદાન આપી શકશે નહીં.
ગાઝીપુરની વિશેષ એમપી/એમએલએ કોર્ટે આ વર્ષે 29 એપ્રિલના રોજ અફઝલ અન્સારીને 4 વર્ષની અને તેમના ભાઇ મુખ્તાર અન્સારીને વર્ષ 2007ના ગેંગસ્ટર એક્ટ કેસમાં 10 વર્ષની કેદની સજા ફટકારી હતી. એ પછી તેમની સાંસદપદ રદ કરી દેવામાં આવ્યું હતું.
અફઝલ અન્સારીએ અલાહાબાદ હાઇકોર્ટમાં આ ચુકાદાને પડકાર્યો હતો. અલાહાબાદ હાઇકોર્ટે 24 જુલાઇના રોજ તેમના જામીન મંજૂર કરી દીધા હતા, પરંતુ સજા પર રોક લાગી ન હતી. 29 નવેમ્બર 2005ના રોજ ગાઝીપુરમાં તત્કાલીન ભાજપ ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયની હત્યા અને 1997માં વારાણસીના વેપારી નંદ કિશોર રૂંગટાનું અપહરણ અને હત્યા કેસમાં ઉત્તરપ્રદેશ ગેંગસ્ટર એક્ટ હેઠળ બંને ભાઇઓને સજા ફટકારવામાં આવી હતી.