બિહારમાં VIP પાર્ટીના પ્રમુખ Mukesh Sahani ના પિતાની દરભંગાના ઘરમા હત્યા

દરભંગા : બિહાર સરકારના પૂર્વ મંત્રી અને વીઆઇપી પાર્ટીના પ્રમુખ મુકેશ સહનીના(Mukesh Sahani) પિતા જીતન સહનીની દરભંગામાં હત્યા કરવામાં આવી છે. મંગળવારે સવારે ઘરમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. દરભંગાના SSP જગુનાથ રેડ્ડીએ હત્યાની પુષ્ટિ કરી છે. કહેવાય છે કે જીતન સહનીની ઉંમર 65 વર્ષની આસપાસ હતી.
આ ઘટનાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી
આ ઘટના દરભંગાના બિરૌલ સબડિવિઝનના અફઝલ્લા પંચાયતના સુપૌલ બજારમાં સ્થિત પૈતૃક મકાનમાં બની છે. જીતન સહનીની વિકૃત લાશ ઘરમાંથી મળી આવી છે. ઘટના બાદ મોટી સંખ્યામાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ ઘટના પાછળનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.
મુકેશ સહની વિકાસશીલ ઇન્સાન પાર્ટીના સ્થાપક છે અને તેમને નાવિકોના મોટા નેતા માનવામાં આવે છે. તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં તેમણે તેજસ્વી યાદવ સાથે ઘણી સભાઓને સંબોધિત કરી હતી. મુકેશ સહનીની પાર્ટી બિહારની ત્રણ લોકસભા સીટો પર પણ ચૂંટણી લડી હતી. જોકે ત્રણેય જગ્યાએ પાર્ટીની હાર થઈ છે.
પિતાની લાશ બેડ પર પડેલી મળી
આ મૃતદેહને જોતા એવું લાગતું હતું કે તેના પર કોઈ તીક્ષ્ણ વસ્તુ વડે ઘા કરવામાં આવ્યો હતો. આ પછી તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો. જણાવવામાં આવી રહ્યું છે કે મુકેશ સહનીના પિતા ઘરમાં એકલા રહેતા હતા. તેમના બે પુત્રો મુકેશ સહની અને સંતોષ સહની બહાર રહે છે. એક પુત્રી છે જે પરિણીત છે. તે પણ બહાર રહે છે.
જેડીયુએ કહ્યું- ગુનેગારોને શોધી લેવાશે
બીજી તરફ આ ઘટના બાદ સીએમ નીતિશ કુમારની પાર્ટી જેડીયુએ પ્રતિક્રિયા આપી છે. જેડીયુના મુખ્ય પ્રવક્તા નીરજ કુમારે કહ્યું છે કે જો કોઈ વ્યક્તિ સાથે આવી ઘટના બનશે તો કાર્યવાહી કરવામાં આવશે. જે પણ ગુનેગાર હશે તેને પકડી લેવામાં આવશે. હત્યારાને ગમે ત્યાંથી શોધી કાઠવામાં આવશે.