ભગવાન બદ્રીનાથને ચરણે પહોંચ્યો અંબાણી પરિવાર

નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને એમડી મુકેશ અંબાણી ગુરુવારે એટલે કે આજે સવારે બદ્રીનારાયણ મંદિરમાં પૂજા કરવા માટે પરિવાર સાથે બદ્રીનાથ પહોંચ્યા હતા. તેઓ દર વર્ષે આ પવિત્ર મંદિરની મુલાકાત લે છે. બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તેમજ BKTCના ભૂતપૂર્વ CEO BD સિંહ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

દેશનો સૌથી અમીર અંબાણી પરિવાર તેમની ધાર્મિક આસ્થાઓ માટે પણ એટલો જ જાણીતો છે. અંબાણી પરિવાર નિયમિત રીતે મુંબઇના સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લે છે. ગયા મહિને મુકેશ અંબાણી, તેમની પત્ની નીતા અંબાણી અને પરિવારના અન્ય સભ્યો ભગવાન ગણપતિના આશીર્વાદ લેવા મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાતે ગયા હતા.

ગણેશ ચતુર્થીના તહેવાર પર અંબાણી પરિવાર દર વર્ષે તેમના ઘરમાં ગણેશજીની સ્થાપના કરે છે. આ વર્ષે તેમણે ગણેશ ચતુર્થીના તહેવારની ઉજવણી માટે તેમના મુંબઈના નિવાસસ્થાન એન્ટિલિયા ખાતે એક કાર્યક્રમનું પણ આયોજન કર્યું હતું, જેમાં ફિલ્મ, રાજકારણ અને ઉદ્યોગજગતની જાણીતી હસ્તીઓ ઉમળકાભેર ભાગ લીધો હતો.

અંબાણીએ આંધ્ર પ્રદેશમાં તિરુપતિ બાલાજી મંદિરની મુલાકાત દરમિયાન ₹1.5 કરોડનું દાન પણ આપ્યું હતું. અંબાણી પરિવાર નિયમિત રીતે શ્રીનાથદ્વારા દર્શને પણ જાય છે. સપ્ટેમ્બર મહિનામાં તેમણે રાજસ્થાનના નાથદ્વારામાં શ્રીનાથજી મંદિરની મુલાકાત લીધી હતી. સમગ્ર અંબાણી પરિવાર નિયમિતપણે મંદિરો અને પવિત્ર યાત્રાધામોની મુલાકાત લેવા માટે જાણીતો છે.

ગયા વર્ષે પણ મુકેશ અંબાણીએ તેમના સૌથી નાના પુત્ર અનંત અંબાણીની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે બદ્રીનાથ ધામ અને કેદારનાથ ધામની મુલાકાત લીધી હતી.