
નવી દિલ્હીઃ ભારતીય કારોબારી અને નૌસેના પૂર્વ અધિકારી કુલભૂષણ જાધવનું ઈરાનથી અપહરણ કરનારા પાકિસ્તાનની આઈએસઆઈના મુફ્તી શાહ મીરની બલુચિસ્તાનમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તે નમાજ બાદ સ્થાનિક મસ્જિદમાંથી બહાર નીકળતો હતો ત્યારે બાઈક સવાર હુમલાખોરો તેની નજીક આવ્યા અને ગોળી મારી હતી. જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. જે બાદ તેને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત થયું હતું.
Also read : “PM મોદી દેશમાં કરે છે સિંહ ગર્જના, બહાર બની જાય માટીના સિંહ!” કોંગ્રેસનાં પ્રહાર
મીર માવન અને હથિયારોનો તસ્કર હતો. તે એક સ્કોલરની આડમાં કામ કરતો હતો અને ઈસ્લામી કટ્ટરપંથી રાજકીય પાર્ટી જમીયત-ઉલેમા-એ-ઈસ્લામનો સભ્ય હતો. સૂત્રો મુજબ શાહ મીર આઈએસઆઈ માટે કામ કરતો હતો અને અનેક બલૂચ યુવાનોનું અપહરણ તથા હત્યામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી. બલૂચિસ્તાનમાં અનેક ધાર્મિક કટ્ટરતા ફેલાવવામાં તેનો મુખ્ય હાથ હતો. આઈએસઆઈ સાથે ચાલી રહેલા આંતરિક સંઘર્ષમાં મીરની હત્યા કરવામાં આવી હોવાની શક્યતા છે.
માર્ચ 2016માં ભારતીય કારોબારી કુલભૂષણ જાધવને જૈશ અલ-અદલના મુલ્લા ઉમર ઈરાનીના નેતૃત્વ વાળા ગ્રુપે ઈરાન-પાકિસ્તાન સરહદ પરથી અપહરણ કર્યું હતું. મીરના માધ્યમથી તેને પાકિસ્તાનની સેનાને સોંપી દેવામાં આવ્યા હતા.
ભારતના નેવી અધિકારી જાધવને પાકિસ્તાનની મિલિટરી કોર્ટે જાસૂસીના આરોપ હેઠળ 2017માં ફાંસીની સજા કરી હતી. ત્યારબાદ જાધવ માટે ભારતે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં અરજી કરીને પાકિસ્તાનની કોર્ટના આદેશને પડકાર્યો હતો. 2017ના મે માસમાં ભારતે પ્રથમવાર આંતરરાષ્ટ્રીય કોર્ટમાં અરજી કરીને પાકિસ્તાને વિએના કોન્વેશનનો ભંગ કર્યાનું જણાવ્યું હતું. પાકિસ્તાને જાધવને રાજદૂતાવાસની મુલાકાત લેતા પણ અટકાવ્યો હતો.
Also read : ‘ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ’માં પાકિસ્તાન છે બીજા નંબરે તો પહેલા ક્રમે ક્યો દેશ છે?
ડિસેમ્બર 2018માં પાકિસ્તાનના વિદેશ મંત્રાલયમાં કુલભૂષણ જાધવની તેની પત્ની અને માતા સાથે 21 મહિના બાદ મુલાકાત થઈ હતી. કુલભૂષણની માતા અને પત્ની સાથે 30 મીનિટની વાતચીત બાદ જાધવે પાકિસ્તાન સરકારનો આભાર માન્યો હતો. આ મુલાકાત દરમિયાન તેમની વચ્ચે કાચની દિવાલ રાખવામાં આવી, જ્યારે તેમની સાથે વાતચીત કરવા માટે ફોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.