Chennai Hit and run: સાંસદની દીકરીએ BMW કારથી શ્રમિકને કચડયો, ધરપકડ બાદ તાત્કાલિક જામીન મળી ગયા
ચેન્નઈ: પુણે પોર્શ કાર હીટ એન્ડ રન કેસ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો, આ મામલે હજુ ઘણા ખુલાસા થઇ રહ્યા છે, એવામાં ચેન્નઈમાં વધુ એક હાઈપ્રોફાઈલ કેસ હીટ એન્ડ રન કેસ (Chennai Hit and run) બન્યો હતો. ચેન્નાઈમાં સોમવારે સાંજે YSR કોંગ્રેસ પાર્ટી (YSRCP)ના રાજ્યસભા સાંસદની દીકરીએ ફૂટપાથ પર સૂઈ રહેલા એક શ્રમિકને BMW નીચે કચડી નાખ્યો હતો. ઈજાગ્રસ્ત શ્રમિકનું હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. આરોપી યુવતીને માત્ર એક દિવસમાં જામીન મળી જતા સવાલો ઉભા થયા છે.
માહિતી અનુસાર, YSR કોંગ્રેસ પાર્ટી (YSRCP) રાજ્યસભા સાંસદ બિડા મસ્તાન રાવ(Beeda Masthan Rao)ની દીકરી વિદા માધુરીએ સોમવારે સાંજે ચેન્નાઈમાં તેની BMW કારથી ફૂટપાથ પર સુઈ રહેલા એક શ્રમિકને કચડી નાખ્યો હતો. સુત્રોએ આપેલી માહિતી મુજબ આ ઘટનામાં કલરકામ કરી ગુજરાન ચલાવતા 21 વર્ષના સૂર્યા નામના શ્રમિકનું મોત થયું હતું, ત્યારબાદ માધુરીની ધરપકડ કરવામાં આવી હતી. મંગળવારે આરોપી માધુરીને જામીન પર છોડી પણ દેવામાં આવી હતી.
પુણેના કલ્યાણી નગર વિસ્તારમાં 19 મેના રોજ એક બિલ્ડરના નબીરાએ પોર્શ કારથી બાઈકને ટક્કર મારી હતી, જેમાં એક મહિલા અને એક યુવાન સોફ્ટવેર પ્રોફેશનલ્સના મોત થયા હતા. કિશોરને હાલમાં પુણેના જુવેનાઇલ હોમમાં રાખવામાં આવ્યો છે, તેને પણ ધરપકડ બાદ એક દિવસમાં છોડી દેવામાં આવ્યો હતો. આ ઘટનાને એક મહિનાથી પણ ઓછો સમય થયો છે, ત્યારે ચેન્નઈમાં સમાન ઘટના બની હતી.
ચેન્નઈ પોલીસે જણાવ્યું કે, સોમવારે રાત્રે બેસંટ નગરની કલાક્ષેત્ર કોલોનીમાં એક ફૂટપાથ પર સૂઈ રહેલા 21 વર્ષીય યુવકને પૂરપાટ વેગે આવતી BMW કારે કચડી નાખ્યો, જેના કારણે યુવકનું મૃત્યુ થયું. વાહનના ડ્રાઈવરની ઓળખ બીડા માધુરી તરીકે થઈ છે, જે આંધ્રપ્રદેશના વાયએસઆર કોંગ્રેસના રાજ્યસભા સાંસદ બીડા મસ્તાન રાવની દીકરી છે.
મૃતકની ઓળખ ઓડાયકુપ્પમ, બેસંત નગરના સુર્યા તરીકે કરવામાં આવી હતી, જે કલરકામ કરી ગુજરાન ચલાવતો હતો. પોલીસે જણાવ્યું હતું કે મહિલા અને તેની સાથે રહેલી અન્ય એક મહિલા ઘટના બાદ તરત જ સ્થળ પરથી ભાગી ગઈ હતી. ટ્રાફિક પોલીસે IPC કલમ 304A (બેદરકારીથી મૃત્યુનું કારણ) હેઠળ કેસ નોંધ્યો છે, જે જામીનપાત્ર ગુનો છે, અને કાર માલિકને નોટિસ પણ પાઠવવામાં આવી છે.
સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં માધુરી અને તેની મિત્ર સ્થાનિક લોકો સાથે દલીલ કરતી જોવા મળે છે. બિડા મસ્તાન રાવ વર્ષ 2022માં રાજ્યસભાના સાંસદ બન્યા હતા, આ પહેલા તેઓ વિધાનસભ્ય પણ રહી ચૂક્યા છે, જે બીએમઆર ગ્રુપ સાથે પણ જોડાયેલા છે, જે સીફૂડ ઈન્ડસ્ટ્રીનું એક મોટું નામ છે.