નેશનલ

કુંભના આયોજન પૂર્વે ઉજ્જૈનમાં ‘આધ્યાત્મિક નગરી’ બનાવાશે…

ભોપાલઃ ઉત્તર પ્રદેશમાં આયોજિત મહાકુંભને પૂરો થવામાં હવે એક જ દિવસ બાકી રહ્યો છે ત્યારે આગામી વર્ષોમાં ઉજ્જૈનમાં કુંભનું આયોજન કરવામાં આવશે, જ્યારે તેના માટે મધ્ય પ્રદેશ સજ્જ થયું છે. મધ્ય પ્રદેશ સિંહસ્થ કુંભ-૨૦૨૮ પહેલા ઉજ્જૈનમાં આધ્યાત્મિક નગરી સ્થાપિત કરવાની યોજના બનાવી રહ્યું છે, એમ મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવે જણાવ્યું હતું.

Also read : Char Dham Yatra 30મી એપ્રિલથી શરુ થશે, હેરાન થવું ના હોય તો જાણો રજિસ્ટ્રેશન પ્રક્રિયા?

મધ્ય પ્રદેશ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ(એમપીજીઆઇએસ ૨૦૨૫)માં બોલતા મુખ્ય પ્રધાને આધ્યાત્મિક અને વન્યજીવ પર્યટનમાં રાજ્યની સંભાવનાઓ વિશે વિસ્તૃત વાત કરી હતી. યાદવે કહ્યું કે ઉજ્જૈનમાં લગભગ ૩,૩૦૦ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલી આધ્યાત્મિક નગરી સ્થાપવાની યોજનાને મંજૂરી આપવામાં આવી રહી છે.

ઉજ્જૈનમાં યોજાનાર સિંહસ્થ કુંભ-૨૦૨૮ માટે રાજ્ય સરકારની તૈયારીના ભાગરૂપે આ પગલું લેવામાં આવી રહ્યું છે. અત્રે નોંધનીય છે કે સિંહસ્થ(કુંભ મેળો) દર ૧૨ વર્ષે શિપ્રા નદીના કિનારે યોજાય છે.

રાજ્ય સરકાર દ્વારા સાધુ, સંતો, મહંતો, મહામંડલેશ્વર, શંકરાચાર્યો સહિત તમામ આધ્યાત્મિક લોકોને તેમના આશ્રમો સ્થાપવા માટે જગ્યા આપવામાં આવશે. આ પ્રસ્તાવિત શહેરના વિકાસમાં શાળા, કોલેજ, હોસ્પિટલ, ધર્મશાળાઓ અને ખાનગી કંપનીઓ પણ ભાગ લઇ શકશે. મુખ્ય પ્રધાને એમ પણ જણાવ્યું કે રાજ્ય સરકાર પર્યટન સહિત તમામ ક્ષેત્રોમાં ખેલાડીઓ પાસેથી રોકાણ આકર્ષિત કરવા માટે ઇન્વેસ્ટર-ફ્રેન્ડલી નીતિઓ ઘડી રહી છે.

Also read : Mahakumbh મુદ્દે સીએમ યોગી વિધાનસભામાં ગર્જયા, કહ્યું જેણે જે શોધ્યું તેને તે મળ્યું

યાદવે આગળ જણાવ્યું હતું કે અમારી સરકાર બનતાની સાથે જ અમે સૌથી પહેલું કામ પર્યટન ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનું કર્યું છે. આ ક્ષેત્રની અપાર સંભાવનાને ધ્યાનમાં રાખીને સરકારે નીતિગત સુધારાઓ રજૂ કર્યા છે, માળખાગત સુવિધાઓનો વિસ્તાર કર્યો છે અને ટકાઉ વિકાસને પ્રાથમિકતા આપી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button