નેશનલ

સાંસદ મહુઆ મોઈત્રા બરતરફ

નવી દિલ્હી: તૃણમૂલ કૉંગ્રેસનાં નેતા મહુઆ મોઈત્રાને શુક્રવારે લોકસભામાંથી બરતરફ કરવામાં આવ્યાં હતાં. એક વેપારીને લાભ અપાવવાની દૃષ્ટિએ તેની પાસેથી ભેટ અને ગેરકાયદેસર લાભ ઉઠાવવા માટે સંસદની સમિતિએ તેમને દોષિત ઠરાવ્યા પછી તેમનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું.ભાજપના સંસદ સભ્ય નિશિકાંત દુબેની ફરિયાદના આધારે
એથિક્સ કમિટીના અધ્યક્ષ વિનોદકુમાર સોનકરે શુક્રવારે ગૃહમાં રિપોર્ટ રજૂ કર્યો હતો. એથિક્સ કમિટીના રિપોર્ટમાં “અનૈતિક વર્તન અને ગૃહની અવમાનના માટે મોઈત્રાને દોષિત ઠરાવવામાં આવ્યાં હતાં.

બરતરફી સામે તીવ્ર પ્રતિભાવ આપતા મોઈત્રાએ આ પગલાંને ‘અન્યાયી’ ગણાવ્યું હતું. વિપક્ષ પર દબાણ લાવવા સરકારે સંસદીય સમિતિને હથિયાર બનાવ્યું છે તેવો મોઈત્રાએ આક્ષેપ કર્યો હતો.
મોઈત્રાએ લોકસભાના સભ્યના પોર્ટલનો યુઝર આઈડી અને પાસવર્ડ બિનઅધિકૃત વ્યક્તિને આપ્યો હતો તેવું એથિક્સ કમિટીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું. લોકસભામાં સમિતિના અહેવાલ બાબતમાં ઉગ્ર ચર્ચા થઈ હતી તે પછી સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ મોઈત્રાની બરતરફી માટે ઠરાવ રજૂ કર્યો હતો. ધ્વનિ મતથી ગૃહે ઠરાવ પસાર કર્યો હતો.

તૃણમૂલ કૉંગ્રેસ અને વિપક્ષના સભ્યો દ્વારા માગ કરવામાં આવી હતી કે મોઈત્રાને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવી જોઈએ. ભૂતકાળનું ઉદાહરણ ટાંકીને સ્પીકર ઓમ બિડલાએ વિપક્ષની માગ ફગાવી દીધી હતી. વર્ષ ૨૦૦૫માં તત્કાલીન સ્પીકર સોમનાથ ચેટરજીએ લોકસભાના ૧૦ સભ્યને ગૃહમાં બોલવાની છૂટ આપી હતી. ‘નાણાં લઈ પ્રશ્ર્ન પૂછવાના’ કૌભાંડમાં ૧૦ સભ્યો સંડોવાયેલા હતા.

મોઈત્રાએ પત્રકારોને કહ્યું હતું કે નૈતિકતાના જે નિયમ નથી તેમનું ઉલ્લંઘન કરવા માટે તેમને દોષિત ગણવામાં આવ્યાં છે. તેમણે રોકડ નાણાં અથવા ભેટ સ્વીકારી હોવાના પુરાવા નથી તેવું મોઈત્રાએ કહ્યું હતું. તેમની સામેના બે ફરિયાદીમાંથી એક તેમનો ભૂતપૂર્વ પાર્ટનર છે, જેણે ખોટા ઈરાદા સાથે ફરિયાદ કરી હતી.

કેશ ફોર ક્વેરી કેસમાં ટીએમસી નેતા વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે. મહુઆ લોકસભાના સભ્ય હતા. તેમની હકાલપટ્ટી બાદ વિરોધ પક્ષોએ ગૃહમાં હંગામો મચાવ્યો હતો અને ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો. લોકસભાની કાર્યવાહી ૧૧ ડિસેમ્બરે સવારે ૧૧ વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. સ્પીકર ઓમ બિરલાએ કહ્યું હતું કે આ ગૃહ એથિક્સ સમિતિના તારણને સ્વીકારે છે કે સાંસદ મહુઆ મોઇત્રાનું વર્તન અનૈતિક અને એક સાંસદ માટે અયોગ્ય હતું. તેથી તેમના માટે સાંસદ તરીકે ચાલુ રહેવું યોગ્ય નથી.

મહુઆ મોઇત્રાને સંસદમાંથી હાંકી કાઢવા માટે ગૃહ દ્વારા લાવવામાં આવેલ ઠરાવ સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો છે. શુક્રવારે ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ એથિક્સ કમિટીનો રિપોર્ટ લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. લોકસભાની એથિક્સ કમિટીના રિપોર્ટ પર અડધા કલાકથી વધુ સમય સુધી ચર્ચા થઈ હતી. આ દરમિયાન સ્પીકર ઓમ બિડલાએ મોઇત્રાને બોલવાની તક આપી ન હતી. તેમણે કહ્યું કે મોઇત્રાએ સમિતિ સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા છે.

નોંધનીય છે કે બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ તેમની ફરિયાદમાં મોઇત્રા પર આરોપ લગાવ્યો હતો કે તેમણે મોંઘીદાટ ગિફ્ટોના બદલામાં બિઝનેસમેન દર્શન હિરાનંદાનીના કહેવા પર અદાણી ગ્રૂપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવવા માટે લોકસભામાં પ્રશ્ર્નો પૂછ્યા હતા.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત