સાંસદ જયા બચ્ચને સભાપતિને કહ્યું કે તમારી ખુરશી તો…
નવી દિલ્હીઃ સંસદના વિશેષ સત્ર વચ્ચે આજે રાજ્ય સભામાં મહિલા અનામત બિલ રજૂ કરવામાં આવ્યું હતું. દરમિયાન સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડેની ખુરશી પર ટીપ્પણી કરી હતી.
સાંસદ જયા બચ્ચન સદનની ભવ્યતા તરફ ઈશારો કરતાં મજાકિયા અંદાજમાં કહ્યું કે આ સેવન સ્ટાર હોટેલમાં સૌથી સારી વસ્તુ છે તમારી ખુરશી, જે ઝૂલાની જેમ આગળ પાછળ થાય છે. વાત જાણે એમ છે કે મહિલા અનામત બિલ પર ચર્ચા કરતી વખતે સભાપતિ ધનખડ અનેક મહિલા સાંસદોને ખુરશી પર બેસવા માટે આમંત્રણ આપ્યું હતું અને આ જ સમયે જયા બચ્ચન પણ થોડીક વાર માટે સભાપતિની ખુરશી પર બેઠી હતી.
મહિલા સાસંદ જયા બચ્ચને જણાવ્યું હતું કે સૌથી પહેલાં તો હું તમારો (સભાપતિ)નો આભાર માનવા માંગુ છું, કારણ કે એમણે મને એમની ખુરશી પર બેસવાનો મોકો આપ્યો. તમારી ખુરશી ખૂબ જ મજેદાર છે, એના પર બેસો તો એ ખુરશી આગળ પાછળ થાય છે. એ જ સમયે મને સમજાયું કે કેમ તમે વારે ઘડીએ આવીને આ ખુરશી પર લાંબો સમય સુધી બેસી જાવ છો.
એટલું જ નહીં સાંસદ જયા બચ્ચને એવું પણ જણાવ્યું હતું કે છેલ્લે બોલવાના ઘણા બધા નુકસાન છે, કારણ કે બોલવા માટે કંઈ બચતું જ નથી. સાંસદ જયા બચ્ચનની આ ટિપ્પણી પર સભાપતિ ધનખડેએ પણ શાયરાના અંદાજમાં જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે ઈતને હિસ્સે મેં બંટ ગયા હું મૈં કિ મેરે હિસ્સે કુછ બચા હી નહીં…
સભાપતિ ધનખડેનો આ જવાબ સાંભળીને સાંસદ જયા બચ્ચનની સાથે સાથે આખા સદનમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.