Madhya Pradesh માં ચાર ખૂંખાર મહિલા નક્સલી ઠાર, સર્ચ ઓપરેશન તેજ

બાલાઘાટ : છત્તીસગઢ બાદ હવે મધ્ય પ્રદેશમાં(Madhya Pradesh)પણ નક્સલી વિરોધી અભિયાન તેજ કરવામાં આવ્યું છે. જેમાં મધ્યપ્રદેશના બાલાઘાટમાં પોલીસ સાથે અથડામણમાં ચાર ખૂંખાર મહિલા નક્સલી મારી ગઇ છે. જ્યારે કેટલાક અન્ય નક્સલીઓ પણ ઘાયલ થયા છે. જેની બાદ જંગલમાં છુપાયેલા નક્સલીઓની શોધખોળ ચાલી રહી છે. આ અથડામણમાં ત્રણ મહિલા નક્સલી ઘટનાસ્થળે જ મૃત્યુ પામી હતી જ્યારે ચોથો મૃતદેહ જંગલમાંથી શોધખોળ દરમિયાન મળી આવ્યો હતો.
ચાર ખૂંખાર નક્સલીઓ માર્યા ગયા
આ સમગ્ર ઘટનાની વિગત મુજબ થાણા ગઢીના સૂપખાર ફોરેસ્ટ રેન્જમાં રૌંડા ફોરેસ્ટ કેમ્પ નજીક હોકફોર્સ, પોલીસ અને નક્સલીઓ વચ્ચેની અથડામણમાં ચાર ખૂંખાર નક્સલી માર્યા ગયા. આ એન્કાઉન્ટર સવારે 11 વાગ્યે કાન્હા કિસલીના મુક્કી વિસ્તારમાં થયું હતું. જેમાં બે કલાક સુધી સામસામે ગોળીબાર થયો હતો.
મહિલા નક્સલીઓની ઓળખ જાહેર થઈ શકી નથી
જોકે, મારી ગયેલી મહિલા નક્સલીઓની ઓળખ જાહેર થઈ શકી નથી. તેમના મૃતદેહ મળી આવ્યા છે. માર્યા ગયેલા ત્રણ મહિલા નક્સલીઓ પાસેથી એક INSAS રાઇફલ, એક SLR રાઇફલ, એક 303 રાઇફલ અને રોજિંદા ઉપયોગની અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.
જ્યારે ચોથા મહિલા નક્સલીનો મૃતદેહ જંગલમાંથી મળી આવ્યો છે. આ એન્કાઉન્ટરમાં કેટલાક નક્સલીઓ ઘાયલ થયા હતા. જેઓ ગાઢ જંગલમાં ભાગી ગયા હતા. તેમને શોધવા માટે હોકફોર્સ, સીઆરપીએફ, કોબ્રા અને જિલ્લા દળ સહિત 12 થી વધુ ટીમો દ્વારા સઘન શોધખોળ કામગીરી ચાલી રહી છે.
આ પણ વાંચો : છત્તીસગઢના બીજાપુરમાં નક્સલીઓનો આતંક: ક્રૂરતાથી કરી બે જણની હત્યા
મધ્યપ્રદેશ પોલીસને મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા
જ્યારે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે પણ આ મામલે એમપી પોલીસને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું કે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ અને ગૃહમંત્રી અમિત શાહ 2026 સુધીમાં દેશમાંથી નક્સલવાદને નાબૂદ કરવા માટે એક અભિયાન ચલાવી રહ્યા છે. અમારી સરકાર પણ આ દિશામાં ગંભીરતાથી કામ કરી રહી છે. આજે બાલાઘાટમાં ત્રણ મહિલા નક્સલીઓ માર્યા ગયા છે. તેમની પાસેથી હથિયારો પણ મળી આવ્યા છે અને અન્ય નક્સલીઓ સાથે પોલીસ એન્કાઉન્ટર ચાલુ છે. રાજ્યમાંથી નક્સલવાદને નાબૂદ કરવાની દિશામાં આ સિદ્ધિ બદલ મધ્યપ્રદેશ પોલીસને અભિનંદન.
નક્સલવાદને સંપૂર્ણપણે નાબૂદ કરવા પોલીસ પ્રતિબદ્ધ
મુખ્યમંત્રી ડો. યાદવે કહ્યું કે મધ્યપ્રદેશ પોલીસની કાર્યક્ષમ રણનીતિના પરિણામે, બાલાઘાટમાં નક્સલવાદીઓ પાછળ પડી ગયા છે. રાજ્યમાં ક્યાંય પણ નક્સલવાદી પ્રવૃત્તિઓ ન થાય તે માટે સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે. પોલીસકર્મીઓ પોતાનો જીવ જોખમમાં મૂકીને પોતાની ફરજ બજાવી રહ્યા છે. રાજ્ય સરકારે બાલાઘાટમાં અને જ્યાં જરૂર હોય ત્યાં નક્સલવાદીઓનો સામનો કરવા માટે પૂરતી વ્યવસ્થા કરી છે. રાજ્યમાંથી નક્સલવાદને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે એમ.પી. પોલીસ પ્રતિબદ્ધ છે.