નેશનલ

MP election 2023: કેન્દ્રિય પ્રધાન, સાંસદોને વિધાનસભાની ટિકિટ

તો શું વિધાનસભ્યોને સરપંચ બનાવશો? ભાજપના નેતાઓમાં નારાજગી

નવી દિલ્હી: મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણીને હવે થોડો જ સમય બાકી છે. ત્યારે સત્તાધારી ભાજપ દ્વારા ચૂંટણીની જાહેરાત થાય તે અગાઉ જ ઉમેદવારોની ત્રણ યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં 80 ઉમેદવારોના નામોનો સમાવેશ છે. આ નામોનમાં કેટલાંક નામો ખરેખર આઘાતજનક છે એમ મધ્ય પ્રદેશના ભાજપના નેતા અને કાર્યકર્તાઓનું માનવું છે. અહીં ભાજપે 3 કેન્દ્રિય પ્રધાન, 4 સાંસદ અને સંગઠનના રાષ્ટ્રીય પદાધીકારીને ટિકીટ આપી છે. તેથી ભાજપમાં નારાજગી અને બળવાની શક્યતાઓ છે.

સતના જિલ્લામાંથી 4 વાર વિધાનસભ્ય રહી ચૂકેલ નારાયણ ત્રિપાઠીને ટિકીટ ન આપી ભાજપે નવો ચહેરો મેદાનમાં ઉતાર્યો છે. આ વાતથી નારાજ નારાયણ ત્રિપાઠીએ એક મીડિયા હાઉસ સાથે વાત કરતાં કહ્યું કે, જો આટલા બધા વરિષ્ઠ સાંસદ, નેતા અને પ્રધાનોને ભાજપ ચૂંટણીમાં મોકો આપી શકે છે તો મુરલી મનોહર જોશી જી, લાલકૃષ્ણ અડવાણીજી એમનો શું ગુનો છે? આ વાત વિચારવા જેવી છે. જો હવે સાંસદ અને પ્રધાનો વિધાનસભાની ચૂંટણી લડશે તો વિધાનસભ્યોએ શું સરપંચની ચૂંટણી લડવાની? યુવા રાષ્ટ્રની વિચારધાર ધરાવનાર ભાજપે વરિષ્ઠ નેતાઓને વિધાનસભાની ટિકીટ આપી છે. ઉલ્લેખનીય છે કે નારાયણ ત્રિપાઠી અત્યાર સુધી અલગ અળગ પક્ષમાંથી ચાર વાર ચૂંટણી લડ્યા છે અને જીત્યા પણ છે.


ભાજપે હજી એક વિધાનસભ્ય કેદારનાથ શુકલાની ટિકીટ પણ કાપી છે. તેઓ સિધી મતદારસંઘનું પ્રતિનિધિત્વ કરે છે. કેદારનાથ શુકલાની જગ્યાએ ભાજપે સાંસદ રિતી પાઠકને ઉમેદવારી આપી છે. સિધીના પીપી પ્રકરણ બાદ ભાજપનું કેન્દ્રિય નેતૃત્વ કેદારનાથ શુકલા પર નારાજ છે તેમ કહેવાઇ રહ્યું છે. આ ઘટનામાં જે આરોપી હતો તે કેદારનાથ શુકલાનો નજદીકી હોવાનું જાણવા મળ્યું હતું.


ભાજપે કૈલાશ વિજયવર્ગીયને ઇંદોર-1 વિધાનસભા મતદારસંઘમાંથી ટિકીટ આપી છે. વિજયવર્ગીયને ઉમેદવારી મળતા અનેક લોકોને આશ્ચર્ય થયું છે. મંગળવારે વિધાનસભા મતદારસંઘના કાર્યકર્તાઓને સંબોધીત કરતાં વિજયવર્ગીયએ કહ્યું હતું કે, તમને બધાને કૈલાશ વિજયવર્ગીય બનીને કામ કરવું પડશે. અહીં વિક્રમજનક જીત મેળવો એ જ મારી તમારી પાસે અપેક્ષા છે. મને ચૂંટણી લડવાની 1 ટકો પણ ઇચ્છા નહતી. લડવા માટેની એક માનસીકતા હોય છે. હવે મોટા નેતા બની ગયા છીએ. હાથ પગ જોડવાનું થોડી ફાવશે? એમ વિજયવર્ગીયએ કહ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button