MP:રાજ્યાભિષેક થવાનો હતો ને વનવાસની ઘડી આવી ગઇ, પૂર્વ સીએમ થયા ભાવુક

ભોપાલઃ મધ્ય પ્રદેશમાં ભાજપની સરકાર બની ગઇ છે, પણ પૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણના હાથમાંથઈ મુખ્ય પ્રધાનપદ છિનવાઇ ગયું છે. જોકે, હાલમાં મધ્ય પ્રદેશના વિવિધજિલ્લા અને વિસ્તારોમાં ફરીને પક્ષને જમીની સ્તરે મજબૂત કરવાનું કામ કરી રહ્યા છે. આ જ ક્રમમાં તેઓ બુધનીના શાહગંજ પહોંચ્યા હતા, જ્યાં બીજેપી કાર્યકર્તાઓએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. લોકો સાથે સંવાદ સાધતા તેમણે જણાવ્યું હતું કે તેમનું મુખ્ય પ્રધાનપદ ભલે છિનવાઇ ગયું હોય, પણ તેમનું મામા અને ભાઈનું પદ કોઈ ક્યારેય છીનવી નહીં શકે. આ સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે રાજ્યાભિષેક બાદ વનવાસમાં જવાનો પણ કોઇ ચોક્કસ ઉદ્દેશ હશે.
લોકો સાથે વાતચીતમાં પૂર્વ સીએમ ચૌહાણે કહ્યું હતું કે હું આ વાત ખૂબ જ ગંભીરતાથી કહું છું, હું તમને ક્યારેય નહીં છોડું. તેમણે લોકોને પૂછ્યું કે શું તમે નાના બાળકોને ક્યારેય સભામાં આવતા જોયા છે, શું તેઓ તેમના મામા માટે આવ્યા છે? રાજ્યમાં બહેનો માટેની બધી યોજનાઓ ચાલુ જ રહેશે અને ભત્રીજા-ભત્રીજીઓના કલ્યાણમાં કોઈ કસર બાકી રાખવામાં આવશે નહીં. ગરીબ હોય કે ખેડૂત બધા માટે અમે જે કહ્યું છે તે કરીશું જ.
શિવરાજ સિંહે લોકોને ખાતરી આપતા એમ પણ કહ્યું હતું, કે ‘મારું જીવન જનતા માટે, મારી બહેનો માટે, મારા દીકરા-દીકરીઓ માટે જ છે. હું આ ધરતી પર એટલા માટે આવ્યો છું કે તમારા જીવનમાં કોઈ સમસ્યા રહેવા નહીં દઉં. હું તને છોડીને ક્યાંય નહીં જાઉં.’