સીએએ માર્ચમાં લાગુ પાડવા હિલચાલ
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે દેશમાં માર્ચના પ્રથમ સપ્તાહથી જ નાગરિકત્વ સુધારા ધારો (સીએએ) લાગુ પાડવા હિલચાલ શરૂ કરી હોવાનું કહેવાય છે.
લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થઇ જાય અને ચૂંટણી આચારસંહિતા લાગુ પાડવામાં આવે, તેની પહેલાં જ સીએએનો અમલ શરૂ કરવાની કેન્દ્રની યોજના હોવાનું મનાય છે. અગાઉ, કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે દેશમાં નાગરિકત્વ સુધારા ધારો (સીએએ) લાગુ પાડવા કટિબદ્ધ હોવાની જાહેરાત અનેક વખત જાહેરસભામાં
કરી હતી. પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બંગલાદેશમાંના અત્યાચારથી ત્રાસીને ભારતમાં શરણ લેનારા હિંદુ, જૈન, બૌદ્ધ અને શીખ લોકોને ભારતનું નાગરિકત્વ આપવાની જોગવાઇ સીએએમાં છે.
વિપક્ષો કેન્દ્ર સરકારની આ હિલચાલને મુસ્લિમો-વિરોધી ગણાવી રહ્યા છે અને તેને લીધે ભૂતકાળમાં અનેક વખત હિંસક દેખાવ થયા હતા.
પાકિસ્તાન, બંગલાદેશ અને અફઘાનિસ્તાનમાં લઘુમતી કોમના સભ્યો ગણાતા હિંદુ, જૈન, બૌદ્ધ અને શીખ લોકોએ જો ૨૦૧૪ની ૩૧ ડિસેમ્બર સુધીમાં ભારત આવીને શરણ લીધી હશે, તો તેઓને ભારતનું નાગરિકત્વ અપાશે.
પાડોશી દેશોમાંના અત્યાચારથી ત્રાસીને ત્યાંથી નાસીને ભારતમાં આવેલા સેંકડો લોકો દિલ્હી, ઉત્તર પ્રદેશ અને દેશના વિવિધ રાજ્યમાં વસેલા છે, પરંતુ તેઓની પાસે ભારતનું નાગરિકત્વ નથી. (એજન્સી)