છત્રપતિ શિવાજી મહારાજના વાઘ નખ માતૃભૂમીમાં પાછા લાવવામાં આવશે: આ વર્ષના અંતમાં ઇગ્લેન્ડ સાથે થશે કરાર
મુંબઇ: અફઝલ ખાનના આંતરડા બહાર કાઢનારા છત્રપતિ શિવાજી મહારાજના વાઘ નખ હવે તેની માતૃભૂમી પર પાછા આવવાના છે. શિવાજી મહારાજની જગદંબા તલવાર અને વાઘ નખ હાલમાં લંડનમાં છે. તે મહારાષ્ટ્રમાં પાછા આવે તેની બધા જ આતુરતાથી રાહ જુએ છે. હવે બ્રિટને આ વાઘ નખ આપણને પાછા આપવાની વાતને સ્વીકારી છે. તેથઈ હવે ઓક્ટોબર મહિનામાં રાજ્યના સાંસ્કૃતિક કાર્ય પ્રધાન સુધીર મુનગંટીવાર ઇગ્લેન્ડ જવાના છે.

આ અંગે સુધી મુનગંટીવારે એક મીડિયા હાઉસ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, છત્રપતિ શિવાજી મહારાજના વાઘ નખ જે હાલમાં લંડનમાં છે તે આ વર્ષે મહારાષ્ટ્રને પાછા મળશે. બ્રિટનની સરકારે આ બાબતે પત્ર મોકલ્યો છે. છત્રપતિ શિવાજી મહારાજના વાઘ નખ મહારાષ્ટ્રમાં પાછા લાવવા માટે ઇગ્લેન્ડ સાથે સંવાદિત કરાર કરવામાં આવનાર છે. લંડનમાં સ્થિત વિક્ટોરિયા એન્ડ એલબર્ટ મ્યુઝિયમમાં આ વાઘ નખ મૂકવામાં આવ્યા છે. તમામ ઔપચારિકતાઓ પૂર્ણ થયા બાદ ડિસેમ્બર પહેલાં આ વાઘ નખ તેની માતૃભૂમી આવવાની શક્યતાઓ છે.

છત્રપતિ શિવાજી મહારાજના વાઘ નખ જે દિવસે તેમણે અફઝલ ખાનનો વધ કર્યો હતો તે જ દિવસે પાછા લાવવાનો પ્રયત્ન છે. હિન્દુ તિથી મુજબ પાછા લાવવાના પ્રયાસો ચાલી રહ્યાં છે. ઉપરાંત અન્ય તારીખો પર પણ વિચાર થઇ રહ્યો છે. ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ અફઝલ ખાનનો વધ થયો એ તારીખ 10 નવેમ્બર હતી. હિન્દુ તિથી મુજબ આવનારી તારીખ અંગે પણ વિચાર ચાલી રહ્યો હોવાની જાણકારી સુધીર મુનગંટીવારે આપી હતી.

છત્રપતિ શિવાજી મહારાજે અફઝલ ખાનનો વધ જે વાઘ નખથી કર્યો હતો તે વાઘ નખ બ્રિટનમાંથી પાછા લાવવા માટે મહારાષ્ટ્ર સરકાર કરાર કરશે. આ વાઘ નખ હાલમાં બ્રિટનના વિક્ટોરિયા એન્ડ એલબર્ટ મ્યુઝીયમમાં છે. જો બધુ પ્લાનિંગ મુજબ થશે તો આ જ વર્ષે આ વાઘ નખ ભારતમાં પાછા લાવવામાં આવશે એમ મુનગંટીવારે જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે 2024માં મહારાષ્ટ્રમાં લોકસભા અને વિધાનસભા બંને ચૂંટણી યોજાનાર છે. આ પાર્શ્વભૂમી પર શિવાજી મહારાજની તલવાર દેશમાં અને રાજ્યમાં લાવવી ખૂબ જ મહત્વની વાત છે. કોંગ્રેસ સરકાર આટલાં વર્ષોમાં આ કરી શકી નથી. જેનું બિડું હવે ભાજપે ઉપાડ્યું છે.