
લખનઊઃ વારાણસીના લંકા પોલીસ સ્ટેશન વિસ્તારના મદરવનમાંથી એક ચોંકાવનારો કિસ્સો જાણવા મળ્યોછે. અહીં બે દીકરીઓએ રજાઇની અંદર તેમની માતાની લાશ છુપાવી રાખી હતી. જ્યારે મૃતદેહમાં જંતુઓ હતા, ત્યારે તેઓએ તેમને હાથ વડે બહાર કાઢીને ફેંકી દીધા. જ્યારે દુર્ગંધ અસહ્ય થઇ ગઇ ત્યારે તેઓ ટેરેસ પર જઇને ભોજન ખાવા લાગી. બંને છોકરી એક વર્ષ સુધી માતાની લાશ સાથે રહી હતી.
મળતી માહિતી મુજબ મહિલાનું 8 ડિસેમ્બર, 2022 ના રોજ બીમારીના કારણે મૃત્યુ થયું હતું, પરંતુ તેની બે પુત્રીઓએ અંતિમ સંસ્કાર કર્યા ન હતા. 27 વર્ષની પલ્લવી અને 19 વર્ષની વૈષ્ણવી તેમની માતા સાથે રહેતી હતી. બહેનોએ તેમના પડોશીઓ અને સંબંધીઓને કહ્યું હતું કે તેમણે માતાના અગ્નિસંસ્કાર કર્યા છે. પછી પરિવાર અને સમાજ સાથેના તમામ સંબંધો તોડીને બેઉ બહેનો ઘરમાં કેદ થઈ ગઈ અને તેમની મૃત માતાના હાડપિંજરને એક વર્ષ સુધી ઘરમાં છુપાવીને રાખ્યું હતું.
આ મામલાની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘરના ત્રણ દરવાજાના તાળા તોડી અંદર ગયા હતા. મહિલાનું હાડપિંજર બહાર કાઢવામાં આવ્યું હતું અને બંને પુત્રીઓને પણ ઘરની બહાર લાવવામાં આવી હતી. મહિલાના કપડા, ચપ્પલ, બેડશીટ, રજાઇ વગેરે પુરાવા તરીકે જપ્ત કરવામાં આવ્યા છે.
બંને પુત્રીએ પોલીસને જણાવ્યું હતું કે ડિસેમ્બર 2022ના રોજ માંદગીના કારણે માતાનું અવસાન થયું હતું. પૈસા અને સંસાધનોના અભાવે મૃતદેહનો અગ્નિસંસ્કાર થઈ શક્યો ન હતા. બંને પુત્રીની માનસિક સ્થિતિ ઠીક નથી.હાલમા તેમને તેમની કાકીની દેખરેખમાં રાખવામાં આવી છે અને તેમની માતાના હાડપિંજરનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે.