નેશનલ

યુપીમાં 22 જાન્યુઆરીએ જ બાળકની ડિલીવરી કરાવવા માતાઓનો આગ્રહ..

કાનપુર: યુપીની સૌથી મોટી હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાઓ અને તેમના પરિવારજનોએ ડિલિવરી કરાવનાર તબીબોને અનુરોધ કર્યો છે કે તેમના બાળકનો જન્મ 22 જાન્યુઆરીએ જ થવો જોઇએ. 22 જાન્યુઆરીએ જેમ રામલલ્લાનું આગમન થશે તેમ પોતાના ઘરે પણ એ જ પાવન દિવસે બાળક જન્મે તેવી ઇચ્છા આ માતાઓએ વ્યક્ત કરી છે.

કાનપુરની GSVM મેડિકલ કોલેજની પ્રસૂતિ અને સ્ત્રી રોગ નિષ્ણાત તબીબ સીમા દ્વિવેદીએ જણાવ્યું હતું કે જે માતાઓની ડિલીવરી ડેટ 22 જાન્યુઆરીની આગળ પાછળના દિવસોમાં આવી રહી છે, તે તમામ માતાઓએ આગ્રહ કર્યો છે કે 22 જાન્યુઆરીના દિવસે તેમને પ્રસૂતિ કરાવવામાં આવે. આમ સામાન્યપણે આ હોસ્પિટલમાં રોજની 12થી 15 ડિલીવરી થતી હોય છે, પરંતુ 22 જાન્યુઆરીના રોજ આ હોસ્પિટલમાં 30 ઓપરેશનોની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પ્રસૂતાઓએ જણાવ્યું હતું કે “22 જાન્યુઆરીના રોજ રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ યોજાવાનો છે, આથી અમારી ઇચ્છા છે કે આ જ દિવસે અમારા ઘરમાં પણ રામલલ્લાનું આગમન થાય. 100 વર્ષથી રામ મંદિરની લોકો રાહ જોઇ રહ્યા હતા અને આખરે એ શુભ દિવસ આવી પહોંચ્યો છે. આ દિવસે જન્મ લેનાર બાળક અત્યંત ભાગ્યશાળી હશે, અમે ભગવાન શ્રીરામની પૂજા કરીએ છીએ અને અમારું બાળક પણ ભગવાન શ્રીરામ જેવું તેજસ્વી હોય તેવી અમારી આશા છે.”

22 જાન્યુઆરીના રોજ બપોરે 12 વાગીને 29 મિનિટ અને 8 સેકંડથી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનું મુહૂર્ત શરૂ થશે, જે 12 વાગ્યાને 30 મિનિટ અને 32 સેકંડ સુધી રહેશે. એટલે કે પ્રાણ પ્રતિષ્ઠા માટે માત્ર 84 સેકન્ડનું જ શુભ મુહૂર્ત છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button