આ વાતે ભારત પાકિસ્તાન સરખાઃ જાણો બન્ને દેશોએ ચિંતા કરવી પડે તેવા અહેવાલમાં શું છે?
નવી દિલ્હી: વાયુ પ્રદૂષણને કારણે ભારત સહિત સમગ્ર વિશ્વમાં લોકોને શ્વાસ લેવામાં તકલીફની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. વિશ્વના 121 સૌથી પ્રદૂષિત દેશોમાં ભારતના ત્રણ શહેરોનો સમાવેશ થાય છે. જેમાં દેશની રાજધાની દિલ્હી ઉપરાંત મહાનગર કોલકાતા અને મુંબઈનો સમાવેશ થાય છે. 13 નવેમ્બરે સ્વિસ ફર્મ IQAirની લાઈવ રેન્કિંગમાં રાજધાની દિલ્હી પ્રથમ સ્થાને છે. IAQIની વર્તમાન રેન્કિંગ દર્શાવે છે કે 515 AQI સાથે દિલ્હી સમગ્ર વિશ્વમાં સૌથી વધુ પ્રદૂષિત શહેર છે. જો કે ભારતમાં હવે શિયાળાએ દસ્તક દીધી છે અને પહાડી વિસ્તારોમાં હિમવર્ષા બાદ દેશના મેદાની વિસ્તારોના તાપમાનમાં ઘટાડો થયો છે.
કઈ રીતે થાય છે ગણતરી?
સામાન્ય રીતે પ્રદૂષણનું સ્તર એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) દ્વારા માપવામાં આવે છે. વિદેશી ધોરણો અનુસાર, 200 થી ઉપરનો AQI ખૂબ જ ખરાબ સ્તર માનવામાં આવે છે અને 300 સુધી પહોંચેલા સ્તરને અતિ ગંભીર માનવામાં આવે છે. જો AQIનું 0 થી 50ની વચ્ચેનું સ્તર સામાન્ય માનવામાં આવે છે. 51 થી 100 વચ્ચેનું સ્તર મધ્યમ અને 101થી 150 વચ્ચેનું સ્તર સંવેદનશીલ સમૂહો માટે ઘણી ખરાબ હવા માનવામાં આવે છે. આ રેન્કિંગમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 151 થી 200 વચ્ચેનો હોય તો તેને ખૂબ જ જોખમી સ્તર માનવામાં આવે છે. જ્યારે 301 કરતાં વધુના સ્તરને અતિ ગંભીર માનવામાં આવે છે.
આ પણ વાંચો : દિલ્હી-એનસીઆરમાં શ્વાસ લેવાનું મુશ્કેલ,ઘણા વિસ્તારોમાં AQI ખતરનાક સ્તરે !
મુંબઈ અને કોલકાતાનો સમાવેશ:
મુંબઈ શહેર 158ના AQI સાથે રેન્કિંગમાં 10મા સ્થાને છે. ત્યારબાદ નોંધાયેલ AQI 136 સાથે કોલકાતાનું સ્થાન છે. વળી આ રેન્કિંગમાં પાકિસ્તાનનું શહેર લાહોર બીજા સ્થાને છે. કે જ્યાં AQI 432 છે. આ સાથે જ પાકિસ્તનની આર્થિક રાજધાની કરાચી પણ આ રેન્કિંગમાં સમાવેશ પામ્યું છે, તે 147ના AQI સાથે 14મા ક્રમે છે.
અન્ય કયા શહેરોનો સમાવેશ?
આ રેન્કિંગમાં કોંગોના કિન્શાસાને પ્રદૂષિત શહેરોમાં ત્રીજું સ્થાન આપવામાં આવ્યું છે. અહીં AQI 193 નોંધવામાં આવ્યો છે. આ સાથે ઇજિપ્તના કાહીરા 184ના AQI સાથે ચોથું સ્થાન ધરાવે છે. તે જ સમયે, વિયેતનામની રાજધાની હનોઈ AQIના 168માં સ્તર સાથે પાંચમા સ્થાને છે. કતારનું દોહા શહેર રેન્કિંગમાં છઠ્ઠા સ્થાને છે.