આ બીમારીના સૌથી વધુ કેસ ભારતમાંઃ ડબલ્યુએચઓએ ચોંકાવ્યા
ન્યૂ યોર્કઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશન (ડબલ્યુએચઓ)એ તાજેતરમાં દુનિયામાં ટીબી કેસો અંગે એક રિપોર્ટ જારી કરીને ભારતીયોને ચોંકાવી નાખ્યા હતા. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 2022માં દુનિયાના કુલ ટીબી (ટ્યુબરક્લોસીસ)ના કેસમાંથી લગભગ 87 ટકા કેસ 30 દેશમાંથી બહાર આવ્યા હતા, જેમાં આ આઠ દેશોમાંથી બે તૃતીયાંશ કેસની નોંધ કરવામાં આવી હતી.
રિપોર્ટમાં દર્શાવેલા આંકડા મુજબ ભારતમાંથી 27 ટકા, ઇન્ડોનેશિયામાંથી 10 ટકા, ફિલિપાઇન્સમાથી સાત ટકા, પાકિસ્તાનમાંથી 5.7 ટકા, નાઇજીરિયામાંથી 4.5 ટકા, બાંગ્લાદેશમાથી 3.6 ટકા અને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાથી 3 ટકા ટીબીના કેસો બહાર આવ્યા હતા એવું આ રિપોર્ટમાં કહેવામા આવ્યું છે.
ભારતમાં ટીબીના 2.8 મિલિયન કેસ નોંધાયા હતા જેમાંથી 3,42,000 લોકો એટલેકે 12 ટકા લોકોના મોત થયા હતા. 2021 ટીબીથી થનાર મૃત્યુની સંકયા 4.94 લાખ હતી જે 2022 ઘટીને 3.31 લાખ થઈ ગઈ હતી. ત્યારબાદ ડબલ્યુએચઓએ ટીબીના કેસોમાં ઘટાડા માટે ભારતની પ્રશંસા કરી પણ કરી હતી.પરંતુ કોવિડ-19ને લીધે 2018માં નિર્ધારિત કરેલા વૈશ્વિક લક્ષ્યના આંકડાને ભારત અસફળ રહ્યું હતું.
ડબલ્યુએચઓએ જણાવ્યુ હતું કે 2015 થી 2022 દરમિયાન ટીબી સંબંધિત કેસોમાં 8.7 ટકાનો તો મૃત્યુમાં 19 ટકાનો ઘટાડો થયો હતો. ડબલ્યુએચઓ દ્વારા 2025 સુધીમાં 50 ટકા ટીબીના કેસોમાં અને 75 ટકા ટીબીથી થતાં મૃત્યુમાં ઘટાડો કરવાનો લક્ષ્યાંક રાખવામા આવ્યો છે.
ડબલ્યુએચઓના આ રિપોર્ટ પર ભારતના કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જવાબ આપતા કહ્યું કે આ રિપોર્ટમાં ભારતમાં ટીબીના કેસોમાં ઘટાડો પણ જોવા મળ્યો છે. ભારતે કરેલા પ્રયાસોને લીધે 2015 થી 2022 સુધીમાં ટીબીના કેસોમાં 16 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે, જે દુનિયામાં ઘટતા ટીબી રોગની સંખ્યા કરતા લગભગ બમણી છે