દેશભરમાં કેટલી મસ્જિદો વિવાદિત છે, તેમની સંખ્યા કેટલી છે, દાવાઓ શું છે?
થોડા સમય પહેલા એક નારો દેશમાં દરેક જગ્યાએ સાંભળવા મળી રહ્યો હતો કે અયોધ્યા તો ઝાંકી હે કાશી મથુરા બાકી હે…..ત્યારે અયોધ્યામાં ભગવાન રામના જન્મ સ્થળે નવું રામ મંદિર બનાવીને હિન્દુઓએ એ વાત પાકી કરી દીધી છે કે અમે તમારું કંઈ નહિ લઈએ પરંતુ જે અમારું છે એ અમને સોંપી દો. હદુ તો રામ નામના નારાઓ શમ્યા પણ નથીને વારાણસીની કોર્ટે જ્ઞાનવાપીનો રિપોર્ટ જગ જાહેર કરીને એક નવો પ્રશ્ર્ન ઊભો કર્યો છે. ત્યારે જ્ઞાનવાપીનો કેસ લડતા હિન્દુ પક્ષના વકીલે દાવો કર્યો હતો કે દેશમાં માત્ર કાશી અને મથુરાની મસ્જિદો જ વિવાદિત નથી પરંતુ તેમની સંખ્યા ઘણી વધારે છે. તો ચાલો આજે તમને જણાવું કે એ વિવાદિત સ્થળો કયા કયા છે. અને કેટલા છે.
જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં હિંદુ પક્ષનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ વિષ્ણુ જૈને કોર્ટને જણાવ્યું હતું કે સમગ્ર ભારતમાં વિવાદિત મસ્જિદો અને સ્મારકોની સંખ્યા 50ની આસપાસ છે અને સુપ્રીમ કોર્ટે મસ્જિદોને તોડી પાડવા માટે અનેક અરજીઓ પણ દાખલ કરી હતી. જૈને એમ પણ જણાવ્યું હતું કે તેમનું “મિશન” વિવાદિત મસ્જિદોની કાયદેસરતાને પડકારવાનું છે કારણ કે તેમનું માનવું છે કે ઘણા હિંદુ મંદિરોને તોડીને ઇસ્લામિક ધર્મ સ્થળો બાંધવામાં આવ્યા હતા.
જૂન 2022માં તુર્કીની આંતરરાષ્ટ્રીય સમાચાર વેબસાઇટ TRT વર્લ્ડે એક લેખ પ્રકાશિત કર્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે ભારતમાં ઓછામાં ઓછા 06 ધાર્મિક સ્થળો એવા છે જેની પર હિન્દુઓએ દાવો કરેલો છે.
મથુરામાં શાહી મસ્જિદ, ધારમાં ભોજશાળા પરિસર, દિલ્હીમાં કુતુબ મિનાર, લખનઉની ટીલી વાળી મસ્જિદ, અજમેરમાં હઝરત ખ્વાજા ગરીબ નવાઝની દરગાહ, મધ્ય પ્રદેશમાં કમાલ-ઉદ-દિન મસ્જિદ આ તમામ સ્થળો પર હાલમાં હિન્દુઓનો દાવો ચાલી રહ્યો છે. આ ઉપરાંત પણ ઘણી એવી જગ્યાઓ છે જે વિવાદિત છે.
બંદાયૂંની શાહી ઈમામ મસ્જિદ
આ ઘટના 800 વર્ષ જૂની છે. આ મસ્જિદ 1223માં મુસ્લિમ સમ્રાટ શમ્શુદ્દીન ઇલ્તુત્મિશ દ્વારા બનાવવામાં આવી હતી. ત્યારથી અહી નમાઝ અદા કરવામાં આવી રહી છે. આ મામલો હવે કોર્ટમાં પણ છે. અખિલ ભારતીય હિંદુ મહાસભાનું કહેવું છે કે આ મસ્જિદ એક ગેરકાયદેસર માળખું છે. જે 10મી સદીમાં ભગવાન શિવના મંદિરને તોડીને બનાવવામાં આવ્યું હતું. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે આ જગ્યાના અસલી માલિક હિંદુઓ છે, તેથી તેમણે અહીં પૂજા કરવાનો હક મળવો જોઈએ.
મથુરાની શાહી ઈદગાહ મસ્જિદ
મથુરાની શાહી ઈદગાહને લઈને સ્થાનિક કોર્ટમાં વિવાદ ચાલી રહ્યો છે. આ ઈદગાહનું નિર્માણ 1670માં ઔરંગઝેબે કરાવ્યું હતું. આ અંગે ઓછામાં ઓછી 12 અરજીઓ કોર્ટમાં છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ઈદગાહ મસ્જિદ કૃષ્ણના જન્મસ્થળ પર બનેલા મંદિરને તોડીને બનાવવામાં આવી હતી.
વારાણસીની ધરહારા મસ્જિદ
વારાણસીની ધરહારા મસ્જિદ માટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની સત્તાવાર સાઇટ પર એવું કહેવામાં આવ્યું છે કે આ મસ્જિદ સ્થાપત્યની હિંદુ શૈલીનું ઉત્તમ ઉદાહરણ છે. આ મસ્જિદ વિષ્ણુ માધવ તરીકે ઓળખાતા વિષ્ણુના પ્રસિદ્ધ પ્રાચીન મંદિરની જગ્યા પર બનાવવામાં આવી હોવાનું કહેવાય છે, તેને માધોદાસના ધારારાના નામે પણ ઓળખવામાં આવે છે. મુઘલ સમ્રાટ ઔરંગઝેબે 1673માં મંદિરનું શિખર તોડીને ઉપર ગુંબજ બનાવી દેતા ઉપરનો ભાગ મસ્જિદમાં ફેરવાઈ ગયો. એટલે જ આ સ્થાપત્યની હિંદુ અને મુઘલ શૈલીનું વિચિત્ર મિશ્રણ છે.
કુતુબ મિનાર
કુતુબ મિનાર 240 ફૂટ ઉંચો છે અને તે દિલ્હીનું સૌથી સુંદર સ્થળ છે. તે દિલ્હીના પ્રથમ સુલતાન, કુતુબુદ્દીન એબકે, 1192 માં દિલ્હીના તત્કાલિન હિંદુ શાસકોને હરાવીને બનાવ્યું હતું. ઈતિહાસકારોના મતે તેને બનાવવા માટે 27 હિન્દુ અને જૈન મંદિરો તોડી પાડવામાં આવ્યા હતા. તેના કાટમાળનો ઉપયોગ અહીં મસ્જિદના નિર્માણમાં કરવામાં આવ્યો હતો. જોકે સિવિલ કોર્ટે આને લગતી અરજી ફગાવી દીધી હતી.
મધ્યપ્રદેશમાં ધાર ભોજશાળા
મધ્યપ્રદેશમાં ધાર ભોજશાળામાં હાલમાં ASI સર્વે ચાલી રહ્યો છે. આ 11મી સદીમાં બનેલા આ સ્મારક અંગે હિન્દુ સંગઠનોનો દાવો છે કે અહીં હિન્દુ દેવી સરસ્વતીનું મંદિર હતું. મુસ્લિમો તેને કમાલ મૌલાના મસ્જિદ કહે છે. જો કે વર્ષ 2003માં એએસઆઈએ એવી વ્યવસ્થા કરી હતી કે હિંદુઓ દર મંગળવારે અહીં પૂજા કરી શકે જ્યારે મુસ્લિમો શુક્રવારે નમાઝ અદા કરી શકે. જો કે આ મામલો કોર્ટમાં પણ પેન્ડિંગ છે. હિન્દુ સંગઠનો પણ તેનું નામ બદલીને સરસ્વતી સદન કરવા માંગે છે.
લખનઉની ટીલી વાળી મસ્જિદ અને અજમેરની દરગાહ
ટીલી વાળી મસ્જિદને લક્ષ્મણ ટીલા પણ કહેવામાં આવે કહે છે. તેમજ રાજસ્થાનમાં અજમેરની દરગાહ વિશે એવો દાવો કરવામાં આવે છે કે અહીં એક સમયે મંદિર હતું ત્યારે હિન્દુ સંગઠનો ઈચ્છે છે કે ભારતીય પુરાતત્વિય સર્વે વિભાગ તેની તપાસ કરે. અહીંની દિવાલો અને બારીઓ પર સ્વસ્તિક ચિહ્નો છે. આ અંગે મહારાણા પ્રતાપ સેનાએ અરજી દાખલ કરેલી છે.
તાજમહેલ
તાજ મહેલને લઈને પણ એક અરજી કોર્ટમાં કરવામાં આવી છે કે અગાઉ ત્યાં તેજો મહાલય નામનું એક શિવ મંદિર હતું.