બિહારમાં 6 દિવસમાં કરોડથી વધુ ‘આયુષ્યમાન ભારત’ કાર્ડ જારી
પટણાઃ બિહારમાં બીજી માર્ચથી છ દિવસના વિશેષ અભિયાન દરમિયાન ‘આયુષ્યમાન ભારત’ પ્રધાન જન આરોગ્ય યોજના હેઠળ ૧ કરોડથી વધુ આરોગ્ય કાર્ડ જારી કરવામાં આવ્યા હતા, એમ નાયબ મુખ્ય પ્રધાન સમ્રાટ ચૌધરીએ જણાવ્યું હતું.
રાજ્યની એનડીએ સરકારે આયુષ્યમાન યોજના હેઠળ રાજ્યના તમામ રેશનકાર્ડ ધારકોને દર વર્ષે રૂા. ૫ લાખ સુધીની મફત તબીબી સારવાર આપવાનું નક્કી કર્યું છે, એમ તેમણે જણાવ્યું હતું. નાયબ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, માત્ર છ દિવસમાં ૧.૦૩ કરોડ પરિવારોને આયુષ્યમાન ભારત કાર્ડ જારી કરવું એ રાજ્યમાં અમારી સરકારની મોટી ઉપલબ્ધિ છે. ચૌધરીએ જણાવ્યું હતું કે, નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ(એનએફએસએ) હેઠળ આવરી લેવાયેલા તમામ રેશનકાર્ડ ધારકોને ૫ કિલો ચોખા મળે છે અને હવે તેઓ દર વર્ષે રૂા. ૫ લાખ સુધીની મફત સારવારનો લાભ લેશે.
હાલમાં રાજ્યમાં લગભગ ૧.૨ કરોડ પરિવારો આયુષ્યમાન ભારતનો લાભ મેળવી રહ્યા છે. હવે ૧.૦૩ કરોડ પરિવારો, જેઓ એનએફએસ એક્ટ હેઠળ લાભાર્થી છે. જેઓ આરોગ્ય વિભાગનો પોર્ટફોલિયો ધરાવે છે.
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સંકલિત કરવામાં આવેલા ડેટા અનુસાર છ દિવસના અભિયાનમાં સિવાન જિલ્લામાં સૌથી વધુ ૫,૯૯,૬૦૯ આયુષ્યમાન ભારત કાર્ડ જારી કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મુઝફ્ફરપુરમાં ૫,૪૪,૦૧૮, પટનામાં ૫,૦૦,૨૯૨ અને મધુબનીમાં ૪,૭૨,૯૭૭ કાર્ડ જારી કરવામાં આવ્યા હતા.
મુખ્ય પ્રધાન નીતિશ કુમારની આગેવાની હેઠળની બિહાર કેબિનેટે ફેબ્રુઆરીમાં આયુષ્યમાન ભારત યોજનાનો લાભ રાજ્યના તમામ રેશનકાર્ડ ધારકોને આપવાનો નિર્ણય લીધો હતો. આયુષ્યમાન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય જાહેર આરોગ્ય વીમા યોજના છે. જેનો હેતુ દેશમાં ઓછી આવક ધરાવતા લોકોને કવરેજ આપવાનો છે. તે કેન્દ્ર પ્રાયોજિત યોજના છે અને કેન્દ્ર સરકાર અને રાજ્યો બન્ને દ્વારા સંયુક્ત રીતે ભંડોળ પૂરું પાડવામાં આવે છે.