પાકિસ્તાનમાં બે આત્મઘાતી હુમલામાં પંચાવનથી વધુનાં મોત
કરાચી: પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન વિસ્તારમાં શુક્રવારે મસ્જિદમાં થયેલા શક્તિશાળી વિસ્ફોટમાં ઓછામાં ઓછાં બાવન જણનાં મોત થયાં હોવા ઉપરાંત પચાસ કરતાં પણ વધુ લોકો ઘાયલ થયાં હોવાનું વહીવટીતંત્રએ જણાવ્યું હતું. આ તમામ લોકો મોહમ્મદ પયગમ્બરની જન્મજયંતીની ઉજવણી કરવા એકઠાં થયાં હતાં. આ વિસ્ફોટના ગણતરીના કલાકો બાદ ખૈબર પખ્તુનખ્વાના હૅન્ગુ શહેરસ્થિત એક મસ્જિદમાં થયેલા વિસ્ફોટમાં ત્રણ જણનાં મોત અને પાંચ કરતાં વધુ લોકો ઘાયલ થયાં હતાં. બલૂચિસ્તાનના
માસ્તંગ જિલ્લાના અલ ફલાહ રોડ પર આવેલી મદિના મસ્જિદ નજીક આ વિસ્ફોટ થયો હતો.
જોકે, કોઈ પણ જૂથે આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી. માર્યા ગયેલાઓમાં માસ્તંગના ડીએસપી નવાઝ ગશકોરીનો પણ સમાવેશ થતો હોવાનું તેમણે કહ્યું હતું.
લોકો મોહમ્મદ પયગમ્બરના જન્મદિન (ઈદ એ મિલાદૂન નબી)ની ઉજવણી માટે એકઠાં થયાં હતાં ત્યારે આ વિસ્ફોટ થયો હતો.
સિટિ સ્ટેશન હાઉસ ઑફિસર (એસએચઓ) મોહમ્મદ જાવેદ લહરીએ કહ્યું હતું કે આ આત્મઘાતી હુમલો હતો અને હુમલાખોરે ડીએસપીના કાર નજીક આત્મઘાતી હુમલો કર્યો હતો.
આતંકવાદવિરોધી વિભાગે માસ્તંગસ્થિત આઈએસઆઈએસના ચાવીરૂપ કમાન્ડરની હત્યા કર્યાના એક દિવસ બાદ આ હુમલો કરવામાં આવ્યો હતો.
ઘાયલોને સારવારાર્થે નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને હૉસ્પિટલમાં તાકીદની સ્થિતિ જાહેર કરી દેવામાં આવી હોવાનું લહરીએ કહ્યું હતું.
માસ્તંગ જિલ્લામાં કરવામાં આવેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછાં બાવન જણનાં મોત થયાં હોવા ઉપરાંત પચાસ કરતાં પણ વધુ લોકો ઘાયલ થયાં હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારી રાશિદ મોહમ્મદ સઈદે કહ્યું હતું.
ઘાયલોમાંથી અમુકની હાલત ગંભીર હોવાને કારણે મરણાંક વધવાની શક્યતા હોવાનું તેમણે કહ્યું હતું.
બલૂચિસ્તાનના આંતરિક બાબતોના પ્રધાન જાન અચકઝાઈએ કહ્યું હતું કે બચાવ અને રાહતટુકડી માસ્તંગ માટે રવાના કરવામાં આવી છે. ગંભીર રીતે ઘવાયેલા લોકોને ક્વેટ્ટાસ્થિત હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને હૉસ્પિટલમાં તાકીદની સ્થિતિ જાહેર કરી દેવામાં આવી છે, એમ તેમણે કહ્યું હતું.
દુશ્મનો બલૂચિસ્તાનમાં ધાર્મિક સહિષ્ણુતા અને શાંતિને નાબૂદ કરવા માગે છે, એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે કૅરટેકર મુખ્ય પ્રધાન અલી મર્દન દામ્કીએ વિસ્ફોટ માટે જવાબદાર લોકોની ધરપકડ કરવાનો આદેશ આપી દીધો હતો.
હુમલાના કાવતરાંખોરો કોઈ પણ પ્રકારની ઉદારતાને પાત્ર નથી, એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરનારાંઓને બક્ષવામાં નહીં આવે.
મુખ્ય પ્રધાને લોકોને આતંકવાદીઓ વિરુદ્ધ એકજૂટ થવાની વિનંતી કરી હતી અને કહ્યું હતું કે ઈસ્લામ શાંતિનો ધર્મ છે અને જે લોકો આત્મઘાતી હુમલા જેવાં ઘૃણાસ્પદ કૃત્યો કરી રહ્યા છે એમને મુસ્લિમ કહી શકાય નહીં.
કરુણાંતિકાને પગલે પ્રાન્તમાં ત્રણ દિવસ શોક પાળવાની પણ તેમણે જાહેરાત કરી હતી.
આંતરિક બાબતોના પ્રધાન સરફરાઝ અહમદ બુગ્તીએ પણ આ ઘટનાને આકરાં શબ્દોમાં વખોડી કાઢી હતી અને કહ્યું હતું કે આતંકવાદીઓનો કોઈ ધર્મ નથી હોતો.
પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન)ના વડા અને પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફે પણ આ ઘટનાને વખોડી કાઢી હતી. મૃતકના પરિવારજનો પરત્વે તેમણે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. (એજન્સી)