ઇઝરાયલના ગાઝા પરના હવાઇ હુમલાઓમાં ૭૦૦થી વધુ લોકોનાં મોત
રફાહ (ગાઝા પટ્ટી): સોમવારે ઇઝરાયલના હવાઇ હુમલાઓમાં ૭૦૦થી વધુ લોકોનાં મોત થયાં હતાં. આ ક્ષેત્રમાં બોમ્બમારાથી થયેલા હુમલાઓમાં સુવિધાઓ નષ્ટ થઇ ગઇ હોવાથી અને વીજળી નહીં હોવાથી હૉસ્પિટલો બંધ કરવામાં આવી છે તેવું આરોગ્ય અધિકારીઓએ કહ્યું હતું. ૭મી ઓક્ટોબર પછી ઇઝરાયલ દ્વારા ખાદ્યાન્ન, પાણી અને દવાઓનો પુરવઠો બંધ કરવામાં આવ્યો હોવાથી ગાઝાના ૨૩ લાખ રહેવાસીઓ સંખ્યાબંધ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. મંગળવારે ઇઝરાયલે કહ્યું હતું કે સોમવારે ૪૦૦ એરસ્ટ્રાઇક કરવામાં આવી હતી જેમાં હમાસના કમાન્ડરોનો ખાતમો બોલાવવામાં આવ્યો હતો. રવિવારે
ઇઝરાયલે ૩૨૦ એરસ્ટ્રાઇક કરી હતી.
સોમવારે ૩૦૫ બાળક અને ૧૭૩ મહિલા સહિત ૭૦૪ રહેવાસીઓનાં મોત થયાં હતાં તેવું ગાઝાના હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું. યુદ્ધમાં ૨૩૦૦ બાળકો સહિત ૫૭૦૦થી વધુ રહેવાસીઓ માર્યા ગયા છે તેવું આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું. ઇઝરાયલમાં ૧૪૦૦થી વધુ લોકો માર્યા ગયા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કહ્યું કે ૩૫ હૉસ્પિટલમાંથી ૧૨ હૉસ્પિટલ સહિત કુલ ૭૨ હેલ્થકેર ફેસિલિટીસ્ટમાંથી ૪૬ બંધ થયા છે. ઇઝરાયલે માનવીય મદદ ધરાવતી ટ્રકોને ગાઝામાં પ્રવેશવાની છૂટ આપી છે. પણ ઇંધણની ડિલિવરી બંધ કરવામાં આવી છે.
પેલેસ્ટાઇનના ત્રાસવાદીઓએ યુદ્ધની શરૂઆત પછી ઇઝરાયલ પર ૭૦૦૦થી વધુ રોકેટ છોડ્યાં છે.
ફ્રાન્સના પ્રમુખ એમન્યુએલ મેક્રોનું મંગળવારે તેલ અવીવમાં આગમન થયું હતું. તેમણે ઇઝરાયલને સમર્થન જાહેર કર્યું હતું. અને ત્રાસવાદ સામેના જંગમાં ઇઝરાયલ એકલું નથી તેવું કહ્યું હતું.
સોમવારે હમાસે બે ઇઝરાયલી વૃદ્ધા બંધકને મુક્ત કરી હતી. ૮૫ વર્ષીય વૃદ્ધા લિફશિતિજે પત્રકારોને કહ્યું કે તેને લાકડીઓથી માર મારવામાં આવ્યો હતો. આ મહિલાના પતિ હજુ બંધક છે. ૭૯ વર્ષીય નુરિટ કૂપરને પણ લિફશિતિજ સાથે મુક્ત કરવામાં આવી હતી.