અમેરિકામાં વાવાઝોડાને પગલે ૨,૦૦૦થી વધુ ફ્લાઈટ્સ રદ
શિકાગો: અમેરિકામાં શક્તિશાળી વાવાઝોડાની અસરમાં આવ્યું છે, જેને કારણે લોકોનું જનજીવન ખોરવાઇ ગયું છે. વાવાઝોડાને કારણે સેંકડો ફ્લાઇટ રદ કરવામાં આવી છે અને અનેક ફ્લાઇટો વિલંબથી ઉડાન ભરી રહી છે. એક અહેવાલ અનુસાર વાવાઝોડાને કારણે મિડવેસ્ટ અને સાઉથમાં અત્યાર સુધીમાં ૨,૪૦૦થી વધુ ફ્લાઈટ્સ મોડી પડી છે અને ૨,૦૦૦થી વધુ રદ કરવામાં આવી છે.
આધારભૂત સૂત્રોએ માહિતી આપી હતી કે વાવાઝોડાને કારણે શિકાગોના ઓ’હેરે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ૩૬ ટકા ઇનકમિંગ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી અને શિકાગો મિડવે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તમામ ઇનકમિંગ અને આઉટગોઇંગ ફ્લાઇટ્સમાંથી લગભગ ૬૦ ટકા રદ કરવામાં આવી હતી. દરમિયાન, અન્ય અસરગ્રસ્ત એરપોર્ટમાં ડેનવર ઇન્ટરનેશનલ અને મિલવૌકી મિશેલ ઇન્ટરનેશનલનો સમાવેશ થાય છે. શુક્રવારે અમેરિકાના મધ્યપશ્ર્ચિમ અને સાઉથ વિસ્તારના ૧૫૦ મિલિયનથી વધુ અમેરિકનોને વાવાઝોડાને કારણે ભારે
પવનોનો સામનો કરવો પડ્યો હતો. વાવાઝોડાને કારણે લગભગ ૨,૫૦,૦૦૦ ઘરો અને ઑફિસોમાંથી વીજળી ગુલ થઇ ગઇ હતી અને લોકોને અંધારામાં રહેવાનો વારો આવ્યો હતો. સૌથી વધુ અસર ઇલિનોઇસમાં થઇ હતી, જ્યાં ૯૭,૦૦૦થી વધુ લોકોને અંધારપટનો સામનો કરવો પડ્યો હતો. શિકાગોના ઓ’હેરે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ૫૫ માઇલ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો તો અરકાનસાસમાં ૭૪ માઈલ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.
હવામાન વિભાગની માહિતી અનુસાર આ તીવ્ર વાવાઝોડું દક્ષિણ તરફ આગળ વધી રહ્યું છે. એક અહેવાલ મુજબ, યુનાઇટેડ સ્ટેટ્સના પૂર્વ ભાગમાં ત્રાટકેલા શક્તિશાળી વાવાઝોડા દરમિયાન, તોફાનના જોરદાર પવનોએ ૧૯મી સદીના પ્રતિષ્ઠિત સ્થળો અને ઇમારતોને નુક્સાન પહોંચાડ્યું હતું.