મૂડીઝે વર્ષ 2024નાં ભારતના વિકાસ દરનો અંદાજ વધારીને 6.8 ટકા કર્યો
નવી દિલ્હી: વૈશ્વિક અગ્રણી રેટિંગ એજન્સી મૂડીઝ આજે વર્ષ 2023માં વૈશ્વિક સ્તરે પરિસ્થિતિ પડકારજનક રહી હોવા છતાં ભારતની મજબૂત આર્થિક કામગીરીને ધ્યાનમાં લેતાં વર્તમાન કૅલૅન્ડર વર્ષ 2024 માટે દેશનાં આર્થિક વિકાસદરનો અંદાજ જે અગાઉ 6.1 ટકા મૂક્યો હતો તે વધારીને 6.8 ટકા મૂક્યો છે.
નોંધનીય બાબત એ છે કે કૅલૅન્ડર વર્ષ 2023ના ચોથા ત્રિમાસિકગાળામાં દેશનો વાસ્તવિક વિકાસદર 8.4 ટકાના સ્તરે રહ્યો હોવાથી વાર્ષિક સરેરાશ વિકાસ દર 7.7 ટકાના સ્તરે રહ્યો છે. એકંદરે વર્ષ 2023માં સરકારી મૂડીગત્ ખર્ચ અને ઔદ્યોગિક ઉત્પાદનની પ્રવૃત્તિ મજબૂત રહેતાં વર્ષ 2023ની મજબૂત વૃદ્ધિને ટેકો મળ્યો હોવાનું મૂડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસીસે અહેવાલમાં જણાવતા ઉમેર્યું હતું કે વૈશ્વિક વિપરીત અથવા પડકારજનક પરિબળો હોવા છતાં બહુ સરળતાથી ભારતે છથી સાત ટકાનો દર હાંસલ કર્યો છે.
એકંદરે વર્ષ 2023માં ભારતીય અર્થતંત્રએ અપેક્ષા કરતાં સારી કામગીરી સાથે મજબૂત ડેટા દર્શાવ્યા હોવાથી અમે વર્તમાન વર્ષ 2024નાં વૃદ્ધિદરનો અંદાજ જે અગાઉ 6.1 ટકા મૂક્યો હતો તે વધારીને 6.8 ટકા કર્યો છે અને જી-20 રાષ્ટ્રો પૈકી ભારત સૌથી ઝડપભેર વિકસી રહેલા અર્થતંત્રનું સ્થાન જાળવી રાખશે, એમ મૂડીઝે તેનાં વર્ષ 2024 માટેના ગ્લોબલ મેક્રોઈકોનોમિક આઉટલૂક અહેવાલમાં જણાવવાની સાથે કૅલૅન્ડર વર્ષ 2025માં 6.4 ટકા વિકાસદરનો અંદાજ મૂકવામાં આવ્યો છે.
વધુમાં એજન્સીએ અહેવાલમાં જણાવ્યું હતું કે વર્તમાન આર્થિક પરિબળોને ધ્યાનમાં લેતાં સપ્ટેમ્બર અંત અને ડિસેમ્બર અંતના ત્રિમાસિકગાળાની મજબૂત આર્થિક વૃદ્ધિની અસરો માર્ચ ત્રિમાસિકગાળામાં જળવાયેલી રહેશે. ગૂડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સની મજબૂત વસૂલી, ઑટો ક્ષેત્રે વેચાણમાં વધારો, ગ્રાહકોનો આશાવાદ, દ્વી અંકી સંખ્યામાં ધિરાણ વૃદ્ધિ જેવી બાબતો દર્શાવે છે કે શહેરી માગ મજબૂત રહેશે. વધુમાં સપ્લાય તરફ જોઈએ તો ઉત્પાદન અને સર્વિસીસ ક્ષેત્રે વિસ્તરણ થઈ રહ્યું છે અને પીએમઆઈ આંકમાં થઈ રહેલો વધારો તેનો પુરાવો હોવાનું અહેવાલમાં ઉમેર્યું હતું.
આ વર્ષનાં વચગાળાના અંદાજપત્રમાં નાણાકીય વર્ષ 2024-25માં મૂડીગત્ ખર્ચ માટે જીડીપીનાં 3.4 અથવા તો 11.1 લાખ કરોડ રૂપિયાની ફાળવણીનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે જે વર્ષ 2023-24ના અંદાજ કરતાં 16.9 ટકા વધુ છે. જોેકે, અમે લોકસભાની ચૂંટણી પશ્ચાત્ માળખાકીય વિકાસની નીતિમાં સાતત્યતા જળવાઈ રહે તેઓ આશાવાદ સેવી રહ્યા છીએએમ અહેવાલમાં ઉમેર્યું છે.