
નવી દિલ્હી: આજથી સંસદના ચોમાસુ સત્રની ભારે હંગામાથી શરુઆત થઈ હતી. ગૃહની શરુઆતમા જ મચેલા હોબાળા બાદ સ્પીકરે કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી. આ દરમિયાન લોકસભામાં વિરોઘ પક્ષના નેતા રાહુલ ગાંઘીએ સરકાર પર આરોપ લગાવ્યો છે કે તેઓને ગૃહમાં બોલવા દેવામા નહોતા આવ્યા.
ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવ્યા પછી રાહુલે સંસદ ભવનની બહાર પત્રકારોને જણાવ્યું, ‘રક્ષા પ્રધાન અને સરકારના અન્ય લોકોને બોલવાની છૂટ છે, પરંતુ વિપક્ષી નેતાઓને બોલવાની મંજૂરી નથી.’ હું વિપક્ષનો નેતા છું, બોલવાનો મારો અધિકાર છે, મુદ્દાઓ ઉઠાવવાનું મારું કામ છે, પણ તેઓ મને બોલવા દેતા નથી.
ગૃહમાં બોલવા દેતા નથી: રાહુલ ગાંધી
તેમણે આરોપ લગાવ્યો હતો કે સરકાર એક નવી જ પદ્ધતિ અપનાવવા જઈ રહી છે. તેમણે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સદનથી ચાલ્યા ગયા. જો તેઓ મંજુરી આપે તો ચર્ચા થઇ શકે છે, પરંતુ મુદ્દો એ છે કે પરંપરા ચાલી આવી છે કે જો સરકારના નેતાઓને બોલવાની મંજુરી છે તો અમને પણ સ્થાન મળવું જોઈએ. અમે બોલવા માંગીએ છીએ પણ અમને મંજૂરી નથી આપવામાં આવતી.
પ્રશ્નકાળ બાદ અપાશે તમામ મુદ્દાઓની મંજુરી
આ પૂર્વે લોકસભામાં કોંગ્રેસના નેતૃત્વમાં વિરોધી પાર્ટીઓના સભ્યો ઓપરેશન સિંદૂર પર ચર્ચાની માંગને લઈને ઉભા થઇ ગયા હતા. પહલગામ હુમલા બાદ કાર્યવાહીના રૂપે ભારતે ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું હતું. લોકસભામાં અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે તેઓ પ્રશ્નકાળ બાદ સભ્યોને ઓપરેશન સિંદૂર સહિતના તમામ મુદ્દાઓ ઉઠાવવાની મંજૂરી આપવા માટે તૈયાર હતા. પ્રશ્નકાળ પહેલા દિવસની પહેલી કલાક હોય છે, જેમાં સાંસદો જુદા જુદા મંત્રાલયો અને વિભાગો સબંધિત પ્રશ્ન ઉઠાવે છે.
નોટિસ આપશે તો પૂરતો સમય પણ આપશે
તેમણે કહ્યું કે હું તમને પ્રશ્નકાળ બાદ તમામ મુદ્દાઓ ઉઠાવવાની મંજૂરી આપીશ. ગૃહ માત્રને માત્ર નિયમો અનુસાર જ ચાલશે, જેમાં સૂત્રોચ્ચાર અને પોસ્ટર દર્શાવવાની મંજૂરી આપી શકાય નહીં.” સ્પીકરે કહ્યું કે જો સંસદ સભ્ય નોટિસ આપે છે તો તેઓને તમામ મુદ્દાઓ ઉઠાવવાની મંજૂરી આપશે અને દરેક સાંસદને પુરતો સમય પણ આપશે.