Monsoon 2024: 10 રાજ્યમાં પાંચ દિવસ વરસાદની આગાહી, બિહારમાં નદીઓમાં પૂર, મહારાષ્ટ્રમાં પણ આફત

નવી દિલ્હી : દેશભરમાં ચોમાસાની(Monsoon 2024) શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી ગોવા, મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરળમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાત, તેલંગાણા અને આંધ્રપ્રદેશ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જમ્મુ, હિમાચલ અને ઉત્તરાખંડ સહિત 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પાંચ દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે.
છ લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત
નેપાળમાં છેલ્લા કેટલાક દિવસોથી મુશળધાર વરસાદને કારણે બિહાર અને ઉત્તર પ્રદેશના અનેક જિલ્લા પૂરની ઝપેટમાં આવી ગયા છે. બિહારમાં સાત નદીઓ વહેતી થઈ છે અને અરરિયા, મુઝફ્ફરપુર સહિત અનેક વિસ્તારોમાં પાણી ઘરોમાં ઘૂસી ગયા છે. લાખો લોકોને અસર થઈ છે.આસામમાં નદીઓનું જળસ્તર ઝડપથી ઘટી રહ્યું છે. પરંતુ હજુ પણ છ લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત છે.
આ રાજ્યોમાં ભારે વરસાદ થશે
ભારતીય હવામાન વિભાગ (IMD)એ 16 જુલાઈ સુધી કર્ણાટક, કેરળ, કોંકણ ગોવા અને મધ્ય મહારાષ્ટ્રના અલગ-અલગ સ્થળોએ અતિશય વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ રાજ્યોમાં આગામી દિવસોમાં 20 સેમી જેટલો વરસાદ પડી શકે છે. આ સિવાય ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને લદ્દાખમાં આગામી પાંચ દિવસ સુધી વિવિધ સ્થળોએ ભારે વરસાદ પડશે.
ગુજરાતમાં પણ મુશ્કેલી વધી
મુંબઈ સહિત મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. થાણે જિલ્લાના ભિવંડીમાં કામવારી નદીમાં જળસ્તર વધ્યું છે. નદી કિનારાના વિસ્તારોમાં પાણી ઘરોમાં ઘૂસી ગયા છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે.
મધુબન ડેમની જળસપાટીમાં વધારો
વલસાડમાં મુશળધાર વરસાદને કારણે મધુબન ડેમની જળસપાટીમાં વધારો થયો છે. સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર નસીમ શેખે જણાવ્યું હતું કે, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પણ પાણી ભરાઈ ગયો છે. આ વિસ્તારોમાંથી પાણી કાઢવા માટે ડિઝાસ્ટર વિભાગની ટીમો તૈનાત કરવામાં આવી છે. ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની સપાટી વધી છે.
જમ્મુ-કાશ્મીરમાં ચોમાસું નબળું રહ્યું
જમ્મુ-કાશ્મીરમાં જુલાઈના પ્રથમ બે અઠવાડિયાથી ચોમાસું નબળું રહ્યું છે. અહીં, કાશ્મીર વિભાગના 10 જિલ્લાઓમાં 5 જુલાઈથી 11 જુલાઈ સુધી સરેરાશ માઈનસ 75.40 ટકા ઓછો વરસાદ નોંધવામાં આવ્યો છે અને જમ્મુ વિભાગના દસ જિલ્લાઓમાં માઈનસ 16.47 ટકા ઓછો વરસાદ નોંધવામાં આવ્યો છે.