નવી દિલ્હી : ભારતમાં પણ હવે મંકીપોકસ(Monkeypox)વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાયો છે. આ અંગે આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે વિદેશથી પરત ફરેલા વ્યક્તિને મંકીપોક્સ(Monkeypox)વાયરસની શંકાના આધારે હોસ્પિટલમાં અલગ રાખવામાં આવ્યો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર વ્યક્તિની સ્થિતિ હાલમાં સ્થિર છે અને એમપોક્સ વાયરસની પુષ્ટિ માટે સેમ્પલની તપાસ કરવામાં આવી રહી છે.
કોન્ટેક ટ્રેસિંગ પણ કરવામાં આવી રહ્યું છે
આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે કેસનું નિર્ધારિત પ્રોટોકોલ મુજબ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તેમજ સંભવિત સ્ત્રોતને ટ્રેસ કરવા અને આ કેસની વધુ અસરનું મૂલ્યાંકન કરવા માટે કોન્ટેક ટ્રેસિંગ પણ કરવામાં આવી રહ્યું છે.
મંત્રાલયે કહ્યું કે આ બાબતે વધારાની ચિંતા કરવાની જરૂર નથી કારણ કે નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) આ મામલાની તપાસ કરી રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે એ પણ માહિતી આપી હતી કે દેશ આવા પ્રવાસ સંબંધિત મામલાઓનો સામનો કરવા માટે તૈયાર છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાની પણ ચેતવણી
નોંધનીય છે કે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ વાયરસને ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી ગણાવી છે. આરોગ્ય સંસ્થાએ આ જાહેરાત એટલે કરી છે કે કારણ કે આ વાયરસના નવા પ્રકારની ઓળખ કરવામાં આવી હતી.સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે દેશમાં મંકીપોક્સના આ નવા કેસ અંગે લોકોમાં જાગૃતિ લાવવા અને સ્વાસ્થ્ય સેવાઓને મજબૂત કરવાની જરૂર છે. તમામ સંબંધિત વિભાગો અને એજન્સીઓ એલર્ટ પર છે અને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.