મની લોન્ડરિંગઃ મહાદેવ એપ કેસમાં ઇડી દ્વારા વધુ બેની ધરપકડ
રાયપુરઃ ઇડીએ મહાદેવ ઓનલાઇન સટ્ટાબાજી અને ગેમિંગ એપ કેસમાં મની લોન્ડરિંગ તપાસના સંબંધમાં વધુ બે વ્યક્તિઓની ધરપકડ કરી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. ઇડીના વકીલ સૌરભ પાંડેના જણાવ્યા અનુસાર નીતિન ટિબ્રેવાલ અને અમિત અગ્રવાલને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની વિવિધ કલમો હેઠળ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને શુક્રવારે રાયપુરની વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તેમને ૧૭ જાન્યુઆરી સુધી ઇડી કસ્ટડીમાં મોકલી દીધા છે.
ટિબ્રેવાલ પર આરોપ છે કે તે આ કેસના આરોપી વિકાસ છપરિયાનો નજીકનો સહયોગી છે. તેના પર દુબઇમાં કેટલીક અપ્રકાશિત મિલકતો ખરીદવાનો અને એફપીઆઇ કંપનીમાં બહુમતી શેરધારક હોવાનો આરોપ છે, જેમાં છપ્પરીયા પણ શેરહોલ્ડર છે, એમ ઇડી સૂત્રોએ જણાવ્યું હતું. એજન્સીને શંકા છે કે આ સંપત્તિઓ મહાદેવ એપના નફામાંથી પેદા થયેલી ગુનાની આવકનો ઉપયોગ કરીને ખરીદવામાં આવી હતી. અમિત અગ્રવાલ આ કેસના અન્ય આરોપી અનિલ કુમાર અગ્રવાલનો સંબંધી છે.
અમિત અગ્રવાલ પર આરોપ છે કે તેણે અનિલ કુમાર અગ્રવાલ પાસેથી મહાદેવ એપ ફંડ મેળવ્યું હતું અને અમિતની પત્નીએ આ કેસના અન્ય આરોપી અનિલ દમ્માણી સાથે મળીને ઘણી મિલકનો ખરીદી હોવાનું કહેવાય છે.
ઇડીએ ગયા વર્ષે છાપરિયા અને અનિલ અગ્રવાલની ૯૯.૪૬ કરોડની કિંમતની બે દુબઇ સ્થિત સ્થાવર મિલકતો, એક ફ્લેટ અને એક પ્લોટ જપ્ત કર્યો હતો. ઇડીના આદેશ પર જારી કરાયેલી ઇન્ટરપોલ રેડ નોટિસના આધારે તાજેતરમાં જ બંનેને દુબઇમાં અટકાયતમાં લેવામાં આવ્યા હતા અને એજન્સી તેમને યુએઇમાંથી ભારત મોકલવા અથવા પ્રત્યાર્પણ કરવાનો પ્રયાસ કરી રહી છે. આ કેસમાં અપરાધની અંદાજિત આવક આશરે ૬૦૦૦ કરોડ હોવાનું ઇડીએ જણાવ્યું હતું.