
નવી દિલ્લી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ જેટ એરવેઝ (ઈન્ડિયા) લિમિટેડની કથિત મની લોન્ડરિંગ કેસમાં રૂ. 500 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી છે. આ જપ્ત થયેલી સંપત્તિમાં જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલ, પત્ની અનિતા ગોયલ અને પુત્ર નિવાન ગોયલ સહિત લંડન, દુબઈ અને ભારતના વિવિધ રાજ્યોમાં કંપનીઓ અને વ્યક્તિઓના નામે નોંધાયેલા 17 રહેણાંક ફ્લેટ, બંગલા અને કોમર્શિયલ બિલ્ડિંગનો સમાવેશ થાય છે, તેવી માહિતી એક અહેવાલ દ્વારા મળી છે.
કેનેરા બેંક દ્વારા દાખલ કરાયેલા કથિત છેતરપિંડીના કેસમાં ઈડીએ મંગળવારે નરેશ ગોયલ અને અન્ય પાંચ સામે ચાર્જશીટ દાખલ કરી હતી. બેંકે એફઆઈઆરમાં આરોપ લગાવ્યો છે કે તેણે જેટ એરવેઝને રૂ. 848 કરોડ સુધીની ક્રેડિટ લિમિટ અને લોન મંજૂરી આપી હતી. તેમાંથી રૂ. 538 કરોડ બાકી છે. નરેશ ગોયલની પીએમએલએ હેઠળ 1 સપ્ટેમ્બરે ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેને મુંબઈની આર્થર રોડ જેલમાં રાખવામાં આવ્યા છે.
ઈડીના આરોપ અનુસાર જેટ એરવેઝના સ્થાપકે અન્ય દેશોમાં ટ્રસ્ટ બનાવીને નાણાંની ઉચાપત કરી હતી. નરેશ ગોયલે કથિત રીતે તે ટ્રસ્ટોનો ઉપયોગ સ્થાવર મિલકતો ખરીદવા માટે કર્યો હતો.
એક ઓડિટ રિપોર્ટને ટાંકીને ઈડીએ કહ્યું છે કે જેટ એરવેઝ પાસેથી લીધેલી લોનનો ઉપયોગ પ્રોપર્ટી સિવાય ફર્નિચર, કપડાં અને જ્વેલરી ખરીદવા માટે કરવામાં આવ્યો હતો.
12 સપ્ટેમ્બરના રોજ કોર્ટની સુનાવણી દરમિયાન, ઉદ્યોગપતિ નરેશ ગોયલે કહ્યું હતું કે ઉડ્ડયન ક્ષેત્ર બેંક લોન પર ચાલે છે અને તમામ ભંડોળને મની લોન્ડરિંગ તરીકે કહી શકાય નહીં.
નરેશ ગોયલના વકીલો અબાદ પોંડા, અમિત દેસાઈ અને અમિત નાઈકે કોર્ટને જણાવ્યું હતું કે તેણે ન તો પોતાના કે પરિવારના નામે કોઈ લોન લીધી છે અને ન તો તેમના માટે ગેરેન્ટર તરીકે ઊભા છે. વકીલોએ જણાવ્યું હતું કે 2011 પહેલા જેટ એરવેઝ દ્વારા લેવામાં આવેલી મોટી રકમની બેંક લોનનો ઉપયોગ સહારા એરલાઇન્સને ખરીદવા માટે કરવામાં આવ્યો હતો.