ભાજપના પહેલા યાદવ મુખ્ય પ્રધાન, કેમ છે વિપક્ષ માટે ખરાબ સમાચાર

ભોપાલઃ ભાજપે મધ્ય પ્રદેશમાં મોહન યાદવને મુખ્ય પ્રધાન બનાવીને સહુને ચોંકાવી દીધા છે. પૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે પોતે મોહન યાદવના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. મોહન યાદવની સીએમ પદ પર નિયુક્તિ વિપક્ષી પાર્ટીઓ માટે પણ મોટો ફટકો હોવાનું કહેવાય છે.
છેલ્લા ઘણા સમયથી વિરોધ પક્ષો દ્વારા ભાજપને બ્રાહ્મણ-બનિયા પાર્ટીનો ટેગ આપવામાં આવ્યો છે. મોહન યાદવ ભારતીય જનતા પાર્ટીના પહેલા યાદવ મુખ્ય પ્રધાન બન્યા છે. ભાજપે હંમેશા વિવિધ રાજ્યોમાં આદિવાસી, ઓબીસી સીએમ અથવા દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ બનાવવા જેવા પગલાં લઈને વિરોધ પક્ષોને જવાબ આપ્યો છે. હવે મોહન યાદવને મધ્યપ્રદેશમાં સીએમ બનાવીને વિરોધ પક્ષોને વધુ એક ઝટકો આપ્યો છે.
ભારતીય રાજકારણમાં છેલ્લા કેટલાક સમયથી જાતિ ગણતરીની માંગ જોર પકડી રહી છે. કોંગ્રેસ, આરજેડી, જેડીયુ સહિત વિવિધ વિપક્ષી પાર્ટીઓ દ્વારા જાતિ ગણતરી કરાવવાની માંગ કરવામાં આવી રહી છે. ભાજપ પર આદિવાસી અને ઓબીસી સમુદાયની વિરુદ્ધ હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આવા સમયે છત્તીસગઢમાં આદિવાસી સીએમ અને મધ્યપ્રદેશમાં યાદવને સીએમ બનાવીને ભાજપે પણ જાતિ ગણતરીના મુદ્દે વિપક્ષને મોટો ઝટકો આપ્યો છે.
બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં યાદવ સમુદાયની નોંધપાત્ર વસ્તી છે. સામાન્ય રીતે યાદવ સમુદાયને લાલુ પ્રસાદ યાદવની આરજેડી અને અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી જેવી પાર્ટીની વોટબેંક માનવામાં આવે છે. જો કે ભાજપે યાદવને મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન બનાવીને સમગ્ર દેશને મોટો સંદેશ આપ્યો છે. પાર્ટીનું આ પગલું આગામી લોકસભા ચૂંટણી 2024માં ભાજપને મોટી લીડ અપાવી શકે છે