‘એક માણસ ભગવાન બનવા ઈચ્છે છે…’ ભાગવતે મોદીને ટોણો માર્યો! જાણો શું છે વિવાદ
નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવત(Mohan Bhagvat)એ આપેલા એક નિવેદન બાબતે રાજકારણ ગરમાયું છે, ભાગવતના આ નિવેદનને ટાંકીને કોંગ્રેસ નેતા જયરામ રમેશે વડા પ્રધાન નરેન્દ્ર મોદી(Jairam Ramesh about PM Modi) પર પ્રહારો કર્યા છે. RSSના વડા મોહન ભાગવતે કહ્યું હતું કે, આત્મ વિકાસ કરતી વખતે એક વ્યક્તિ સુપરમેન બનવા માંગે છે, તે પછી તે દેવતા એટલે કે ભગવાન બનવા માંગે છે. જયરામ રમેશે આ નિવેદનને પીએમ નરેન્દ્ર મોદી પર ‘અગ્નિ મિસાઈલ’નો હુમલો ગણાવ્યો છે.
RSS ના વડા મોહન ભાગવતે ઝારખંડના ગુમલામાં વિકાસ ભારતી દ્વારા આયોજિત ગ્રામ્ય સ્તરની કાર્યકર બેઠકમાં હાજરી આપી હતી. અહીં તેમણે કહ્યું કે માનવજાતના કલ્યાણ માટે લોકોએ અથાક મહેનત કરવી જોઈએ, કારણ કે વિકાસ અને માનવીય મહત્વાકાંક્ષાનો કોઈ અંત નથી.
RSS વડાએ વધુમાં કહ્યું કે, માનવીય ગુણો વિકસાવ્યા પછી માણસ અલૌકિક બનવા માંગે છે, ‘સુપરમેન’ બનવા માંગે છે, પરંતુ તે ત્યાં અટકતો નથી. આ પછી તેને લાગે છે કે તેણે દેવતા બનવું જોઈએ, પરંતુ દેવતાઓ કહે છે કે તેના કરતા મોટો ભગવાન છે, અને પછી તે ભગવાન બનવા માંગે છે.
મોહન ભાગવતે કહ્યું કે ભગવાન કહે છે કે તે વિશ્વરૂપ સ્વરૂપ છે, તેથી તે વ્યક્તિ વિશ્વરૂપ સ્વરૂપ બનવા માંગે છે.
કોંગ્રેસે ભાગવતઆ નિવેદન પર પ્રતિક્રિયા આપી છે અને પાર્ટીના વરિષ્ઠ નેતા જયરામ રમેશે તેમના નિવેદનને વડા પ્રધાન મોદી પર અગ્નિ મિસાઈલ હુમલો ગણાવ્યો છે. જયરામ રમેશે સોશિયલ મીડિયા x પરની પોસ્ટમાં લખ્યું છે કે મને ખાતરી છે કે સ્વ-ઘોષિત નોન-બાયોલોજીકલ વડાપ્રધાનને આ નવીનતમ અગ્નિ મિસાઈલના સમાચાર મળ્યા હશે, જે નાગપુરે લોક કલ્યાણ માર્ગને નિશાન બનાવીને ઝારખંડથી છોડવામાં આવી હતી.