ભાગવતની ટિપ્પણી બાદ શું વડા પ્રધાન મણિપુરની મુલાકાત લેશે: ઉદ્ધવ ઠાકરે
મુંબઈ: શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ બુધવારે એવો સવાલ કર્યો હતો કે આરએસએસ (સંઘ)ના વડા મોહન ભાગવત દ્વારા ઉત્તર પુર્વના રાજ્ય અંગે કરવામાં આવેલી ટિપ્પણી બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અશાંત મણિપુરની મુલાકાત લેશે? મુંબઈમાં એક પત્રકાર પરિષદને સંબોધતાં તેમણે એવા પણ સવાલ કર્યા હતા કે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારી કલમ 370 નાબુદ કર્યા બાદ ત્યાંની પરિસ્થિતિમાં શું ફેરફાર થયો છે?
હજી પણ લોકોના જીવ જઈ રહ્યા છે. જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓ માટે કોણ જવાબદાર છે? એમ તેમણે પૂછ્યું હતું.
આરએસએસના વડા ભાગવતે સોમવારે મણિપુરમાં એક વર્ષ બાદ પણ અશાંતી છે તેના પર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને એમ કહેવામાં આવ્યું હતું કે મણિપુરની સમસ્યા પર પ્રાથમિકતાથી ધ્યાન આપવું જોઈએ.
આરએસએસના પ્રમુખ ભાગવતના નિવેદન બાદ શું વડા પ્રધાન નરેન્દ્ર મોદી મણિપુરની મુલાકાત લેશે? મારી ચિંતા એનડીએની સરકારનું શું થશે એ નથી, મારી ચિંતા તો દેશનું ભવિષ્ય શું થશે એની છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે વિપક્ષી મહાવિકાસ આઘાડીમાં કોઈ પણ પ્રકારના મતભેદ નથી. શિવસેનાએ આગામી વિધાન પરિષદની ચૂંટણી માટે ચારેય બેઠક પર ઉમેદવારો ઊભા રાખ્યા તે સંદર્ભે તેઓ બોલી રહ્યા હતા.
તેમણે કહ્યું હતું કે લોકસભાની ચૂંટણી બાદ હું અહીં નહોતો અને તેને કારણે વાતચીતમાં થોડી ઢીલ પડી હતી અને તે સમયગાળામાં દરેક પક્ષે પોતાના ઉમેદવારો જાહેર કરી નાખ્યા હતા, કેમ કે નિર્ધારિત મુદતમાં ઉમેદવારી પત્રકો ભરવાનું આવશ્યક હોય છે.
અહીં ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 26 જૂને વિધાન પરિષદની બેઠક માટે મતદાન થવાનું છે અને ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ સાત જૂન હતી. આના પરિણામ પહેલી જુલાઈએ જાહેર કરવામાં આવશે. (પીટીઆઈ)
Also Read –